મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો બનાવવાની માંગ પ્રવીણ તોગડિયાની માંગ
બે કરતાં વધુ સંતાન હોય તો સરકારી યોજનાઓ, બેંક લોન અને મતાધિકાર બંધ કરવા સૂચન; હિન્દુઓને એકજૂથ કરવા ‘હનુમાન ચાલીસા કેન્દ્રો’ શરૂ કરવા આહ્વાન
અગ્ર ગુજરાત, મોરબી
અંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ મોરબી મુલાકાત દરમિયાન દેશમાં વધી રહેલી વસ્તી અસંતુલન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મોરબીના પંચાસર રોડ પર આવેલા શક્તિધામ મંદિર ખાતે આયોજિત સતવારા સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપતા તેમણે હિન્દુઓની બહુમતી જાળવી રાખવા માટે મુસ્લિમ વસ્તી નિયંત્રણ અંગે કેન્દ્ર સરકાર કડક કાયદો લાવે તેવી જોરદાર માંગ કરી હતી.
દેશમાં વસ્તી વૃદ્ધિના સમીકરણો પર બોલતાં પ્રવીણ તોગડિયાએ “તીન બચ્ચા હિન્દુ સચ્ચા” નો નારો આપ્યો હતો. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરતા જણાવ્યું હતું કે, મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો બનાવવો જરૂરી છે. તેમણે કાયદા હેઠળ બે બાળકો પછી ત્રીજું સંતાન ધરાવતા મુસ્લિમ પરિવારને મળતું સરકારી અનાજ બંધ કરવું., સરકારી શાળામાં પ્રવેશ અને સરકારી તબીબી સારવારની સુવિધા રદ કરવી. બેંક લોન મેળવવાનો અધિકાર નાબૂદ કરવો. ત્રીજું સંતાન થાય તો મતદાનનો અધિકાર પણ છીનવી લેવા સહિતના પગલાં લેવા સૂચન કર્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે આવા આકરા નિયમોથી જ દેશમાં મુસ્લિમ વસ્તી વૃદ્ધિના દરને અટકાવી શકાશે. કાર્યક્રમ દરમિયાન ડૉ. તોગડિયાએ હિન્દુ સમાજને જાગૃત અને સંગઠિત કરવા માટે વિવિધ વિસ્તારોમાં ‘હનુમાન ચાલીસા કેન્દ્રો’ શરૂ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે: આ કેન્દ્રો ભક્તિની સાથે-સાથે હિન્દુ શક્તિનું પણ કેન્દ્ર બનશે. દર શનિવારે રાત્રે લોકો આ કેન્દ્રો પર એકત્રિત થઈને સંગઠન મજબૂત કરશે. સામાજિક સેવાની ઉત્તરોત્તર આપૂર્તિ માટે આ કેન્દ્રો પરથી લોકોને મફત કે રાહત દરે આરોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.


