- પ્રદુષણ પાકિસ્તાન માટે પણ બન્યું સમસ્યા
- લાહોરમાં પ્રદુષણથી મુશ્કેલીમાં સામાન્ય જનતા
- હાઇકોર્ટની ફટકાર બાદ સરકારે લીધો નિર્ણય
પ્રદૂષણ માત્ર ભારત માટે જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન માટે પણ સમસ્યા બની ગયું છે. પાકિસ્તાનના લાહોર શહેરમાં પ્રદૂષણ લોકો માટે સમસ્યા બની ગયું છે. તમે એ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે સ્થિતિ કેટલી ખરાબ છે કે સરકારે ઈમરજન્સી પણ લાદવી પડી હતી. લાહોર હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે આ નિર્ણય લીધો છે.
લાહોર હાઈકોર્ટે પ્રશાસનને વધતા પ્રદૂષણ માટે વર્તમાન સરકારને જવાબદાર ઠેરવતા શહેરમાં ઈમરજન્સી લાદવાની સૂચના આપી છે. આ સાથે કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે ધુમાડા માટે જવાબદાર ફેક્ટરીઓ ફરી ન ખોલવામાં આવે. આ સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પણ આવી ફેક્ટરીઓ વિશે અધિકારીઓને જાણ કરવા જણાવ્યું હતું. કોર્ટે કમિશનર સહિત તમામ અધિકારીઓને શાળા-કોલેજોની મુલાકાત લેવા અને વિદ્યાર્થીઓને આ અંગે માહિતી આપવાનો આદેશ આપ્યો છે.
વધતું પ્રદૂષણ ચિંતાનો વિષય છે
હાઈકોર્ટના ન્યાયાધીશ શાહિદ કરીમે લાહોરના કમિશનર મોહમ્મદ અલી રંધાવાને વર્તમાન પરિસ્થિતિ માટે સખત ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે સ્મોગ તેમની અંગત સમસ્યા નથી પણ બાળકો સાથે જોડાયેલી સમસ્યા છે. આ પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે કમિશ્નરને કહ્યું કે તમે પણ શહેરના રક્ષક છો, તમે તેની સાથે શું કર્યું તે જુઓ.
લાહોર ગેસ ચેમ્બર બન્યું
સ્મોગના કારણે લાહોર ઝેરી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. પરિસ્થિતિ ખરાબથી ખરાબ તરફ જઈ રહી છે. લોકો ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મંગળવારે સતત ત્રીજા દિવસે લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોચ પર હતું. એક રિપોર્ટ અનુસાર, અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 255 નોંધાયો હતો. સોમવારે અહીંનો AQI 447 પર પહોંચ્યો હતો. પંજાબના કાર્યકારી મુખ્યમંત્રી મોહસિન નકવીએ કહ્યું કે સમગ્ર પંજાબમાં સ્મોગ ઈમરજન્સી લાદવામાં આવી છે અને તમામ શાળાઓમાં બાળકોને એક મહિના માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.


