રાજકોટમાં સંજયરાજ ગ્રુપ સાથે હિલ્ટનની પ્રથમ ફાઇવ સ્ટાર હોટેલ શરૂ થશે
સેકન્ડ રિંગ રોડ પર નિર્માણ પામનાર ‘ડબલ ટ્રી બાય હિલ્ટન’માં ૧૪૫ ગેસ્ટ રૂમ્સ અને ૨૨,૦૦૦ ચોરસ ફૂટનું ભવ્ય ઇવેન્ટ સ્પેસ બનશે; ગુજરાતમાં હિલ્ટનની આ ૪થી પ્રોપર્ટી હશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે અતિ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક કક્ષાની હોસ્પિટાલિટી બ્રાન્ડ હિલ્ટને રાજકોટમાં ‘ડબલ ટ્રી બાય હિલ્ટન’ માટે કરાર કર્યા છે. સંજયરાજ એન્ડ કંપની (ધ નીલ્સ સંજયરાજ) સાથેની ભાગીદારીમાં આકાર પામનારી આ હોટેલ રાજકોટમાં હિલ્ટનની સર્વપ્રથમ પ્રોપર્ટી હશે.
શહેરના સેકન્ડ રિંગ રોડ પર ઝડપથી વિકસતા વ્યાપારી વિસ્તારમાં નિર્માણ પામનારી આ હોટેલથી રેલવે સ્ટેશન અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીની કનેક્ટિવિટી અત્યંત સરળ રહેશે. હોટેલમાં ૧૪૫ લક્ઝુરિયસ ગેસ્ટ રૂમ્સ અને સ્યુટ્સ સિવાય ઓલ-ડે ડાઇરેક્ટ રેસ્ટોરન્ટ, સ્પા, સ્વિમિંગ પૂલ અને ફિટનેસ સેન્ટર જેવી વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
હોટેલમાં આશરે ૨૨,૦૦૦ ચોરસ ફૂટનું વિશાળ ઇવેન્ટ સ્પેસ તૈયાર કરવામાં આવશે, જેમાં ૧૭,૪૦૦ ચોરસ ફૂટનો ભવ્ય બોલરૂમ અને ૩ મીટિંગ રૂમ્સનો સમાવેશ થાય છે. સંજયરાજ ગ્રુપના પાર્ટનર સ્વરાજ રાજગુરુ તેમજ હિલ્ટન મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, રાજકોટમાં એન્જિનિયરિંગ, ઉત્પાદન અને ટ્રેડિંગ ક્ષેત્રના વિકાસથી વધેલી ગ્લોબલ માંગને પહોંચી વળવા આ પ્રોજેક્ટ હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી દિશા આપશે.
સંજયરાજ એન્ડ કંપની(ધ નીલ્સ સંજયરાજ) ના પાર્ટનર સ્વરાજ રાજગુરૂ ના જણાવ્યા મુજબ રાજકોટમાં મેન્યુફેકચરીંગ, એન્જીનિયરીંગ અને ટ્રેડિંગ ક્ષેત્રના વિકાસ સાથે વિશ્વસ્તરીય હોસ્પિટાલિટી તથા પ્રીમીયમ ઇવેન્ટ સ્પેસની માંગ વધી રહી છે. હિલ્ટન સાથેનો આ પ્રોજેકટ શહેરની બદલાતી જરૂરીયાતને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ૭૦૦ થી વધુ હોટેલ્સ અને 63 દેશો તથા પ્રદેશોમાં હાજરી ધરાવતી ડબલ ટ્રી બાય હિલ્ટન પોતાની ઉષ્માભરી આતિથ્ય સેવા માટે જાણીતી છે. રાજકોટમાં આ બ્રાન્ડનું આગમન શહેરના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરની નવી સુવિધાનો ઉમેરો કરશે. આ પ્રોજેકટ પૂર્ણ થયા બાદ રાજકોટમાં બિઝનેસ તેમજ લેઝર ટ્રાવેલર્સ માટે વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું વિકલ્પ ઉપલબ્ધ થશે અને શહેરમાં બિઝનેસ, લગ્નો,કોન્ફરન્સ તથા મોટા સામાજીક કાર્યક્રમો માટેની હોસ્પિટાલિટી સુવિધાઓને નવી દિશા મળવાની શક્યતા છે.


