રાજકોટ આહીર સેનામાં જયેશભાઇ સિંધવની ઉપપ્રમુખ તરીકે વરણી
સમાજસેવા અને જીવદયાના ક્ષેત્રે અગ્રેસર જયેશભાઇને નવી જવાબદારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં સામાજિક તથા જીવદયાના કાર્યોમાં સતત સક્રિય રહેતા અને આહીર સમાજના યુવા અગ્રણી એવા જયેશભાઇ સિંધવ (ડિલક્સ ગ્રુપ – નેપ્ચ્યુન ટાવર)ની રાજકોટ આહીર સેનાના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. આહીર સમાજની રેજિમેન્ટ માટે અને સમાજના યુવાનોને એક તાંતણે બાંધવા માટે સતત પ્રયત્નશીલ રહેતા જયેશભાઇની આ નિમણૂકથી આહીર સમાજના યુવાનો તેમજ શુભેચ્છકોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમની શિસ્તબદ્ધ કાર્યશૈલી અને સમાજ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને સંસ્થાના વરિષ્ઠ હોદ્દેદારો દ્વારા તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
જયેશભાઇ સિંધવ માત્ર સામાજિક ક્ષેત્રે જ નહીં, પરંતુ જીવદયાના કાર્યોમાં પણ અગ્રેસર રહેવા માટે જાણીતા છે. તેઓ સ્ટ્રીટ ડોગ્સ, નિરાધાર અને નધનિયાત ગૌ માતા તેમજ અબોલ પક્ષીઓ અને પારેવાની સેવામાં અવિરતપણે કાર્યરત રહે છે. શહેરમાં બિનવારસી કે બીમાર પશુઓની સારસંભાળ લેવી, પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવી જેવી પ્રવૃત્તિઓ તેઓ પોતાના દૈનિક જીવનનો એક મુખ્ય ભાગ ગણે છે. તેમની આ નિસ્વાર્થ જીવદયા પ્રેમી ભાવનાના કારણે જ તેઓ સમાજમાં એક આગવી ઓળખ ધરાવે છે.
રાજકોટ આહીર સેનાના ઉપપ્રમુખ તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ જયેશભાઇ સિંધવે સંસ્થાના તમામ વરિષ્ઠો અને કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા તેમના પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તેને તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે. સમાજના યુવાનોને સંગઠિત કરવા, શૈક્ષણિક અને સામાજિક કાર્યોને વેગ આપવો તેમજ જીવદયાની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવી એ તેમની પ્રાથમિકતા રહેશે. આ નિમણૂક બદલ આહીર સમાજ અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમના પર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.


