રાજકોટના અરડોઈ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા યોજાઈ
જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા ચર્ચા-વિચારણા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય જળસંચય જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના જાગૃત સરપંચ અને ગ્રામજનોને જળશક્તિનું મહત્વ સમજાવવા અને આગામી સમયમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયાની ચર્ચાઓ કરવામાં આવી હતી.
દિલીપભાઈ સખીયાએ નિર્દેશ કર્યો હતો કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે ખેત તલાવડી, બોર રિચાર્જ અને ચેકડેમ જેવા માધ્યમો અપનાવવા અનિવાર્ય છે. જમીનમાં પાણીના તળ ઊંચા આવશે, ત્યારે જ સૌરાષ્ટ્ર અને ગુજરાત સાચા અર્થમાં સમૃદ્ધ બનશે. જળસંચય એ કોઈ વ્યક્તિગત કાર્ય નથી, પણ એક સામાજિક જવાબદારી છે અને સમૂહશક્તિ દ્વારા જ આપણે આ જળસંચયને સફળ બનાવી શકીશું.
ગ્રામસભામાં પાણીના એક-એક ટીપાની કિંમત સમજાવીને તેને જમીનમાં ઉતારવા માટેના વિવિધ નુસખાઓ અને પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી અને જળસંચયના આ અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં ગામના સરપંચ નરસિહભાઈ ગજેરા,મુનાભાઈ રાદડિયા, સતીશભાઈ મોલિયા, રાજુભાઈ ગજેરા, જગદીશભાઈ ગજેરા, લલીતભાઈ તંતી, તુષારભાઈ ગજેરા સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ગામના દાતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને ગામના હિતમાં યોજાયેલા આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું અને પૂરો સહયોગ આપવાની ખાતરી આપી હતી.


