શાપરમાં કૂતરાનો કાન પકડતાં યુવકને બચકું ભર્યું, સારવાર દરમિયાન મોત
ગંગા ગેટ પાસે બનેલી ઘટના; મૂળ બોટાદનો 42 વર્ષીય મુકેશ પારઘી રખડતું જીવન જીવતો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના શાપરમાં કૂતરાને રમાડતી વખતે તેનો કાન પકડવો એક યુવક માટે જીવલેણ સાબિત થયો હતો. કૂતરાએ યુવકના ડાબા હાથમાં બચકું ભરતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ બોટાદનો વતની મુકેશ અમરશીભાઈ પારઘી (ઉં.વ. 42) શાપર અને આસપાસના વિસ્તારોમાં રખડતું-ભટકતું જીવન જીવતો હતો. ગત તા. 25ના રોજ રાત્રે આશરે 11 વાગ્યે તે શાપરના ગંગા ગેટ પાસે હતો. આ દરમિયાન કૂતરાને રમાડતી વખતે તેનો કાન પકડતાં કૂતરાએ તેના ડાબા હાથમાં બચકું ભરી લીધું હતું. ઇજાગ્રસ્ત મુકેશને પ્રથમ શાપરની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગત નીવડે તે પહેલાં જ ગત સાંજે તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં પોલીસકર્મીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ નોંધવામાં આવેલા નિવેદનમાં મુકેશે કૂતરાને રમાડતી વખતે તેનો કાન પકડતાં બચકું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ, મૃતક મુકેશના પરિવારજનો અંગેની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે. મુકેશે અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ ત્યારબાદ પત્ની તેને છોડીને જતી રહેતાં તે શાપરમાં એકલો રખડતું જીવન જીવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બોટાદ ખાતે રહેતા તેના સગાં-સંબંધીઓ અને પરિવારજનોનો સંપર્ક સાધવા માટે કવાયત હાથ ધરી છે.


