વિપક્ષના આંદોલન સામે ભાજપનું આજે શકિત પ્રદર્શન
‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત રાજકોટમાં સાંજે સભા અને પદયાત્રા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન-૨૦૨૬ અંતર્ગત આજે મંગળવાર, તા. ૨૭ ઓક્ટોબરના રોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિપક્ષ દ્વારા કથિત રીતે ફેલાવવામાં આવતી અરાજકતા અને ભ્રામક પ્રચારનો વિરોધ કરવા યોજાનારી આ પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના દિગ્ગજ નેતાઓ સહિત સૌરાષ્ટ્રભરના સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે.
ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળ યોજાનારી આ પદયાત્રાનો પ્રારંભ આજે બપોરે ૪.૩૦ કલાકે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે સભા યોજીને કરવામાં આવશે. ત્યારબાદ પદયાત્રા અકિલા ચોક, સર્વેશ્વર ચોક, રામકળષ્ણ આશ્રમ અને માલવિયા ચોક થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચશે.
આ પદયાત્રામાં ભાજપના પ્રદેશ સહસંગઠન મહામંત્રી અરુણ બિન્નાડી, પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પૂર્વ પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાઓ અને મહાનગરોના ભાજપ પ્રમુખો, મહામંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તથા સંગઠનના વિવિધ હોદ્દેદારો પણ પદયાત્રામાં જોડાશે.
ભાજપના જણાવ્યા મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ દ્વારા ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે કરવામાં આવતા આક્ષેપો તથા વિરોધ પ્રદર્શનોના પગલે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાજપે વિપક્ષ પર ભ્રામક માહિતી ફેલાવીને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ નબળો પાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. આ પદયાત્રાના માધ્યમથી વિપક્ષના આક્ષેપોનો જનતા સમક્ષ જવાબ આપવામાં આવશે તેમ પક્ષ દ્વારા જણાવાયું છે. પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની પદયાત્રા યોજાઈ રહી છે.


