અમરેલી સિંચાઈ વિભાગમાં ACBનો સપાટો
બિલ પાસ કરવા ₹51 હજારની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટ્ટાવાળો રંગેહાથ ઝડપાયા
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલીના સિંચાઈ વિભાગમાં એ.સી.બી. ટીમે કાર્યવાહી કરીને લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. સિંચાઇ વિભાગ કચેરીમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્ક અને કરાર આધારિત પટ્ટાવાળાને રૂપિયા 51,000ની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, ફરિયાદીના બાંધકામના બાકી બિલના નાણાં તેમજ તેમણે બાંધકામમાં વાપરેલ મટીરીયલના ટેસ્ટિંગ બિલના નાણાં મંજૂર કરાવવાના બાકી હતાં. આ બીલના નાણાં મંજુર કરાવવા માટે લાંચ માગી હતી. સિંચાઈ વિભાગના જુનિયર ક્લાર્ક અને પટ્ટાવાળા દ્વારા ₹51,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે અમરેલી એસીબીની ટીમે કચેરીમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ અને તેમની સાથે કરાર આધારિત ફરજ બજાવતો પટ્ટાવાળો જયદીપ ચતુરભાઈ હરિયાણી તેમને ફરિયાદી પાસેથી રૂપિયા 51,000 ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. અમરેલી એસીબીની ટીમે લાંચની રકમ રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં અમરેલી એ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.બી. ડાભી તથા એ.સી.બી. સ્ટાફગણ દ્વારા કરવામાં આવેલ છે.


