દિવાદાંડી- બાલેન્દુશેખર જાની
————————————–
ચંદન કરતા વંદન વધુ શીતળ છે
————————————–
વંદન ઍ વિનમ્રતાનું પ્રતિક છે.પેલી કહેવત છે ને કે, ‘ નમે તે સૌને ગમે ‘ સંત તિરુવલ્લમે લખ્યું છે ને, ‘ નમ્રતા અને મીઠા વચનો જ મનુષ્યોના આભુષણો હોય છે.બીજા બધા નામ માત્રના જ આભુષણો છે.’ મતલબ કે, કોઈ માણસ એક કિલો સોનાના આભુષણો પહેરીને આવ્યો હોય પણ તેનામાં જો વિનય વિવેક નહિ હોય તૉ બધું નકામું છે, ત્યારે કોઈ સમાન્ય પહેરવેશ ધારણ કરેલ વ્યક્તિ તેની નમ્રતાને કારણે બધાના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
આપણને શાળામાં એક વાક્ય ગોખાઈ ગયું હતું કે, ‘ વિધ્યા વિનયથી શોભે. ‘ મતલબ કે જેમ વૃક્ષ ઉપર ફળ આવે તૉ તેની કિંમત વધવા છતાં તે નીચું નમે છે ને ? તેમ આપણે પણ કોઈ ઉચ્ચ ડિગ્રી કે સિધ્ધિ પ્રાપ્ત કરીયે તૉ વિનમ્ર બનવું પડે અન્યથા ઍ પ્રાપ્તિની કોઈ કિંમત નથી. નમ્રતાનો મોટો ફાયદો ઍ છે કે, ગમે તેવું મુશ્કેલ જણાતું કાર્ય સરળ બની શકે છે. માણસ તૉ શું ઢોરને પણ તમે જો ગુસ્સાથી વશ કરવા પ્રયાસ કરો તૉ ઍ તમને ક્રોધમાં જ્વાબ આપશે પણ જો પ્રેમથી પૂચ્કારશો તૉ પુંછડી પતપટાવતા તમારા પગ ચાટવા લાગશે. જોકે, નમ્રતા અસ્થાને પ્રગટ ન કરાય, જેમ કે, જંગલમાં સિંહ સામે આવે તૉ તેને નમ્રતાથી માથા ઉપર હાથ ફેરવવા ન જવાય !
નમ્રતા,વિનય,વિવેક ઍ બાળકોને બચપણથી જ શિખવાડવામાં આવે છે. કારણકે આગળ જતાં તે તેના પદ પ્રતિષ્ઠા કે ડિગ્રી અથવા રુપિયા કરતા તેની વિનમ્રતાને કારણે ઓળખાવાનો છે. એમ કહી શકાય વ્યક્તિત્વ ઘડતરમાં વિનમ્રતાની અહેમ ભુમિકા રહેલી છે. ‘ અધુરો ઘડો છલકાય’ તેમ કેટલીક વ્યક્તિ પોતાને સારી પોસ્ટ મળતા ઊંચાંમાં આવી જઈ બધાને તુચ્છ ગણવા લાગે છે. હું બીજા કરતા શ્રેષ્ઠ છું તેવા અહંને કારણે વિનય વિવેક મર્યાદા ભૂલી નાના મોટા સૌને ઉંકારા તુંકારા કરવા લાગે છે. તેને કોઇની સાચી વાત ગમતી નથી, હું કહું તે અને હું કરું તે જ સાચું આવા ભ્રમને કારણે પતન નોતરે છે. પેલી કહેવત યાદ છે ને કે, ‘ જેનો રાજા અંધ તેનું કટક કુવામાં ‘ મતલબ કે ઘરના વડિલ ઓફિસનો બોસ કંપની સંચાલક જો આવો હોય તૉ ઍ પોતે તૉ ડુબે પણ બધાને ડુબાડી દે છે,
આપણે ઘણી વખત બેન્ક અથવા કોઈ કચેરીમાં જોયું હશે કે, લાઈનમાં ઉભેલ માણસ કર્મચારી ઉપર ગુસ્સો કરે બોલાચાલી કરે, તૉ સામે પેલો કર્મી કામ બંધ કરે કે સામી જીભાજોડી કરે પરિણામે લોકોનો જ સમય બગડતૉ હોય છે ને ? કેટલાક લોકો બેંકમાં જઈ ત્યાં કામ કરતા કર્મચારીને જાણે ઍ પોતાના નોકર હોય તેમ ઘૂરકાવે મફતના પગાર ખાવ છો તેવા શબ્દો સંભળાવે છે. પણ એટલું નહિ વિચારે કે કેશિયરનું કામ જવાબદારીવાળુ છે. ખોટી ઉતાવળમાં ભૂલ થાય તો સાંજે કેશ જમા કરાવતી વખતે ઘટતા રુપિયા ચુકવવા તું આવીશ ? પણ આવી સલાહ આપનાર જ્ઞાની નહિ, વિવેકહિન હોય તૉ નવાઈ નહિ ! ક્ન્ફ્યુશિયસે લખ્યું છે કે, ‘ વિનય સમસ્ત ગુણોની આધારશિલા છે. ‘ માંણસમાં બધા ગુણો હોવા છતાં જો વિનય ન હોય તૉ બધું વ્યર્થ છે.


