શિક્ષક ભરતી સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ અને ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલની પસંદગી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે રચાયેલી શિક્ષક ભરતી સમિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શિક્ષકોના પ્રશ્નો, શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ વ્યવસ્થાના સર્વાંગી વિકાસ માટે સતત રચનાત્મક કામગીરી કરવામાં આવે છે. સંગઠનના બે જવાબદાર પદાધિકારીઓની શિક્ષક ભરતી સમિતિમાં વરણી એ સંગઠનના કાર્ય અને શિક્ષક સમાજમાં તેની વિશ્વસનીયતાની નોંધપાત્ર સ્વીકૃતિ માનવામાં આવી રહી છે.
આ વરણી બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટના પદાધિકારીઓ તથા સમગ્ર શિક્ષક સમાજ દ્વારા પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


