સાધુવાસવાણી રોડ પર સ્પામાં ઘૂસી બે શખ્સોએ છરી બતાવી મચાવ્યો આતંક
સ્પા સંચાલકને ગાળો આપી અન્ય કર્મચારી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી; 15 હજારનો મોબાઇલ તોડી નાખ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર પંચાયત ચોકી બીટ વિસ્તારમાં આવેલા સુપર ગોલ્ડન માર્કેટ સ્થિત બોડે કેર સ્પામાં જૂની અદાવતનો ખાર રાખીને બે શખ્સોએ ધસી જઈ ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. બંને શખ્સોએ સ્પા સંચાલક અને કર્મચારીઓને ગાળો આપી ધમકી આપી હતી. આ દરમિયાન એક શખ્સે છરી બતાવી ડરાવ્યા હતા, જ્યારે કર્મચારીનો આશરે રૂ.15 હજારની કિંમતનો મોબાઇલ ફોન તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત, સ્પામાં કામ કરતી મહિલા કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો નાસી છૂટ્યા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણીના આદર્શ સોસાયટીમાં રહેતા અને સ્પા મસાજનો વ્યવસાય કરતા 33 વર્ષીય જયેશભાઈ ઉપાભાઈ વાઘેલાએ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.27 ઓક્ટોબર, 2026ના રાત્રિના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં આરોપી કેતન પરમાર અને કાળા રંગનો શર્ટ પહેરેલો એક અજાણ્યો શખ્સ જૂની વાતનો ખાર રાખીને કથિત પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે સ્પામાં આવ્યા હતા.
બંને શખ્સોએ ફરિયાદી જયેશભાઈ તથા ત્યાં હાજર આફતાબભાઈ સાથે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન કાળા રંગનો શર્ટ પહેરેલા શખ્સે છરી બતાવી ફરિયાદી અને સાહેદને ધમકી આપી હતી. એટલું જ નહીં, આફતાબભાઈનો વીવો કંપનીનો આશરે રૂ.15 હજારની કિંમતનો ટી-વન મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. આ ઉપરાંત, સ્પામાં કામ કરતી માહીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્પામાં તોડફોડ કરી બંને શખ્સો નાસી ગયા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
આ મામલે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસે કેતન પરમાર અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તપાસ પો.સબ.ઇન્સ્પેક્ટર એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે.


