આજી-ન્યારી ડેમને દિવાળી પહેલા નર્મદા નીરથી ભરાશે
સૌની યોજનાનું પાણી ઠાલવવાની પ્રક્રિયા શરૂ અને અછત દૂર કરવા મેયરની શહેરીજનોને ખાતરી
અગ્ર ગુજરાત, રાજકોટ
ચાલુવર્ષે અપૂરતા વરસાદને પગલે રાજકોટમાં જળસંકટ સર્જાય તેવી શક્યતા હતી. રાજકોટવાસીઓ માટે મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી દિવાળીના તહેવાર પહેલા જ રાજકોટ શહેરના મુખ્ય જળાશયો એવા આજી 1 અને ન્યારી 1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. રાજકોટનાં લોકોને પીવાના પાણીની કોઈ સમસ્યા થાય નહીં તે માટે સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમ ભરવાનું ટૂંક સમયમાં શરૂ કરવાની મેયર ડો. નેહલ શુક્લએ ખાતરી આપી છે.
રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું અથવા નહિવત રહ્યું છે, જેના કારણે પાણીની અછત સર્જાવાની સંભાવનાઓ રહેતી હોય છે પરંતુ, આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અત્યંત સજ્જ અને સતર્ક રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના કુશળ પૂર્વ આયોજનને કારણે રાજકોટની જનતાને પીવાના પાણીની કોઈ જ તકલીફ પડવા દેવામાં આવશે નહીં.
સરકાર દ્વારા અગાઉ નક્કી કરવામાં આવેલા આયોજન મુજબ રાજકોટના તમામ જળાશયો અને ડેમો કે જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, તે તમામ ડેમો એટલે કે આજી-1 અને ન્યારી-1 ડેમને નર્મદાના શુદ્ધ નીરથી ભરી દેવામાં આવશે. પાણી વિતરણની વ્યવસ્થા પણ સુપેરે ચલાવવામાં આવશે જેથી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. રાજકોટવાસીઓએ પીવાના પાણી અંગે જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે શહેર પાસે હંમેશા એક થી દોઢ મહિનાનો પાણીનો જથ્થો સ્ટોકમાં ઉપલબ્ધ જ હોય છે.
મેયર ડૉ. નેહલ શુક્લે રાજકોટની જનતાને એક ખાસ અપીલ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે નાગરિકોની પણ નૈતિક જવાબદારી બને છે કે પાણીનો બગાડ થાય નહીં તેનું સતત ધ્યાન રાખે. દરેક નાગરિકે પોતાની જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને હંમેશા કરકસર પૂર્વક પાણી વાપરવું જોઈએ જેથી ભવિષ્યમાં પણ પાણીની કોઈ સમસ્યા સર્જાય નહીં.
206 ડેમમાં હાલમાં 65.17 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
રાજ્યમાં પાણીની સ્થિતિની વાત કરીએ તો, 206 ડેમમાં હાલમાં 65.17 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઝોન પ્રમાણે ડેમની સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાત ઝોનમાં 13 ડેમમાં 76.74, ઉત્તર ગુજરાત ઝોનમાં 15 ડેમમાં 43.45, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 64.78, કચ્છના 20 ડેમમાં 31.39, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 47.52 ટકા અને નર્મદા ડેમમાં 99.59 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતમાં હાલમાં 39 ડેમ હાઈ એલર્ટ પર છે. 11 ડેમમાં 90 ટકા સુધી પાણીનો જથ્થો છે, 12 ડેમમાં 80 ટકા કરતાં ઓછું પાણી છે. 144 ડેમ એવા છે જેમાં 70 ટકા કરતાં ઓછું પાણી છે. રાજ્યમાં હાલમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીની તીવ્ર તંગી સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય ઝોનમાં એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી નથી. જેથી અહીંના ખેડૂતો હવે નર્મદાના નીરના ભરોસે રહી શકે છે.
પાણી માટે રાજ્ય સરકારે કરેલ વ્યવસ્થા
રાજ્યમાં જળસંચય અને સિંચાઈની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.જેમાં ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય 206 ડેમોમાં 65 ટકા જળ સંગ્રહ નોંધાયો છે. આગામી રવિ સિઝન માટે રાજ્યના 76 ડેમોમાંથી સિંચાઈનું પાણી આપવાનું આયોજન કરાયું છે.જ્યારે જળાશયોમાંથી નાગરિકો માટે 30 જૂન 2027 સુધી પીવાનું પૂરતું પાણી અનામત રાખવામાં આવ્યું છે.સિંચાઈ માટે ઉત્તર ગુજરાતના ધરોઈ-દાંતીવાડા સહિત 11, મધ્ય ગુજરાતના 12, દક્ષિણ ગુજરાતના ઉકાઈ, કાંકરાપાર અને દમણગંગા સહિત 9, સૌરાષ્ટ્રના શેત્રુંજી, બ્રાહ્મણી, મચ્છુ સહિત 39 અને કચ્છના 5 ડેમોમાંથી પાણી છોડાશે.ડેમોમાં પાણીની ઉપલબ્ધતાના આધારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. રાજ્ય સરકારે આ તમામ સિંચાઈ તથા પીવાના પાણીને લઈ આયોજન કર્યું છે.


