બાલાજી મિત્ર મંડળના સભ્યોની સ્વાવલંબન, સેવાભાવ જીવનની અનોખી પહેલ
નિવૃત્તિ પછીનું જીવન નહીં, જીવનનો નવો ઉત્સવ માણતા સભ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ: સામાન્ય રીતે નિવૃત્તિ પછી વ્યક્તિના જીવનમાં પ્રવૃત્તિઓ ઘટતી જાય છે, પરંતુ બાલાજી મિત્ર મંડળના સિનિયર સિટીઝન સભ્યોએ આ માન્યતાને ખોટી સાબિત કરી છે. પોતાની જાત મહેનત, એકતા, સહકાર અને ઉત્સાહથી આ સભ્યો નિવૃત્તિના સમયને આનંદમય અને પ્રવૃત્તિમય બનાવી રહ્યા છે. તેમનું મિત્રમંડળ માત્ર મળવા-બેસવા પૂરતું નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનની પ્રવૃત્તિઓનું સુંદર કેન્દ્ર બની ગયું છે.
બાલાજી મિત્ર મંડળના સભ્યો દિવસમાં બે વખત બાલાજી મંદિરે એકત્રિત થાય છે. આ નિયમિત મુલાકાત દ્વારા એકબીજાના ખબર-અંતર પૂછવા, જીવનના અનુભવોની આપ-લે કરવા અને દિવસની શરૂઆત તથા અંત મિત્રોના સંગાથમાં કરવાની તક મળે છે. આ દૈનિક મિલન સભ્યો વચ્ચે આત્મીયતા, લાગણી અને એકતાને વધુ મજબૂત બનાવે છે.
મંડળના સભ્યો કોઈપણ કાર્યક્રમ માટે માત્ર આયોજન પર આધાર રાખતા નથી, પરંતુ પોતાની જાત મહેનત અને સહકારથી જમણવારનું આયોજન કરે છે. ધાર્મિક સ્થળોની મુલાકાત, પ્રવાસો, સામાજિક અને સમાજઉપયોગી પ્રવૃત્તિઓ તેમજ મોજમસ્તી અને મનોરંજનના કાર્યક્રમો દ્વારા જીવનમાં નવી ઊર્જા ભરે છે. દરેક સભ્ય પોતાની ક્ષમતા પ્રમાણે જવાબદારી નિભાવે છે અને કાર્યક્રમોને સફળ બનાવવામાં યોગદાન આપે છે.


