લોનના હપ્તા પેટે આપેલો રૂ.13,549નો ચેક બાઉન્સ થતાં આરોપીને એક વર્ષની જેલ
રાજકોટ નાગરિક સહકારી બેંકની જેતપુર શાખાના કેસમાં કોર્ટનો ચુકાદો: રૂ.27,098નો દંડ, ચેકની રકમ પર 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો પણ આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
બેંક પાસેથી લીધેલી લોનના હપ્તાની ભરપાઈ માટે આપેલો ચેક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે પરત ફરતાં જેતપુરના કલ્પેશભાઈ મુકુંદરાય મહેતાને અદાલતે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂ.27,098નો દંડ ફટકારવાની અને દંડ નહીં ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ કર્યો છે. સાથે જ ચેકની રકમ પર વાર્ષિક 9 ટકા લેખે સાદા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ નાગરિક સહકારી બેંક પાસેથી કલ્પેશભાઈ મુકુંદરાય મહેતાએ રૂ.3 લાખની લોન મેળવવા અરજી કરી હતી. બેંક દ્વારા તેમની લોન મંજૂર કરવામાં આવી હતી. લોન મેળવતી વખતે તેમણે બેંક સાથે કરાર કરીને નિયમિત હપ્તા ભરવાની સંમતિ આપી હતી. જોકે, સમય જતાં લોનના હપ્તા બાકી રહેતાં બેંકની લેણી રકમની આંશિક ચુકવણી પેટે તેમણે રૂ.13,549નો ચેક આપ્યો હતો. કલ્પેશભાઈએ રાજકોટ નાગરિક સહકારી બેંકની જેતપુર શાખાનો ચેક નંબર 000010, તારીખ 5 નવેમ્બર, 2024નો ચેક બેંકના નામે સહી કરીને આપ્યો હતો. ચેક રજૂ કરવામાં આવે ત્યારે તે પાસ થઈ જશે અને બાકી નાણાંની વસૂલાત થઈ જશે તેવી ખાતરી પણ આપી હતી. પરંતુ બેંકમાં ચેક જમા કરાવવામાં આવતાં આરોપીના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે ચેક ક્લિયરિંગમાં બાઉન્સ થયો હતો.
આથી બેંક દ્વારા આરોપીને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ મળવા છતાં ચેકની રકમની ચુકવણી કરવામાં નહીં આવતાં બેંકે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ જેતપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન ફરિયાદી બેંક તરફથી વિવિધ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સોગંદ ઉપર જુબાની પણ આપવામાં આવી હતી. કેસની આખરી સુનાવણી વખતે બેંક તરફના ધારાશાસ્ત્રીએ દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીએ કાયદેસર લેણી રકમની ચુકવણી માટે ચેક આપ્યો હતો, લેણું પુરવાર થયું છે અને ચેક પણ પરત ફર્યો હોવાથી કાયદા મુજબ સજા થવી જોઈએ.
બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈને જેતપુરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તા.10 ઓક્ટોબરના રોજ આરોપી કલ્પેશભાઈ મુકુંદરાય મહેતાને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. ઉપરાંત રૂ.27,098નો દંડ અને દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ સાથે મૂળ ચેકની રૂ.13,549ની રકમ ઉપર વાર્ષિક 9 ટકા લેખે સાદું વ્યાજ ઉમેરી વળતર તરીકે ચૂકવવા પણ આદેશ કર્યો હતો. આ કેસમાં રાજકોટ નાગરિક સહકારી બેંક તરફથી જેતપુરના સિનિયર ધારાશાસ્ત્રી આર.આર. ત્રિવેદી અને ભાવેશ પી. ત્રિવેદી રોકાયેલા હતા.


