ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એક્સપર્ટ સેશન યોજાયા
વિવિધ વિષયના ત્રણ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે તાજેતરમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ અલગ અલગ વિષયના તજજ્ઞો દ્વારા એક્સપર્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ પ્રથમ સત્ર શ્રી દર્શનભાઈ સોલંકી દ્વારા લેવામાં આવેલું, જેમાં સ્ટાફ મિત્રોને લાંબાગાળાના ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફાયદા અંગે માહિતગાર કરવામાં આવેલા. શ્રી દર્શનભાઈ સોલંકી સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર તથા ટ્રેઇનર તરીકે બે દાયકાઓથી કાર્યરત છે. એમણે દરેક વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર અને પગભર બને એ દિશામાં સ્ટાફ મિત્રોને માહિતગાર કર્યા હતા.
બીજું સત્ર શ્રીમદ્ ભાગવત તથા ભગવદ્ ગીતાના આધારે કર્મ પ્રમાણે જીવન અને બ્રહ્માંડમાં મૃત્યુ બાદ જીવની ગતિવિધી અંગે જ્ઞાનગોષ્ઠિ કરવામાં આવેલી જે માટે આદરણીય શ્રી પદ્મોલચન ક્રિષ્ના દાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ હરેકૃષ્ણ સંસ્થાન ઇસ્કોન મંદિર પરિવાર સાથે સંકળાયેલ છે. તેમણે જીવનના વિવિધ કર્મો અને એની સ્થૂળ શરીર પર થતી અસરો ઉપરાંત મનુષ્યયોનિમાં વિવિધ જન્મ અને એની સાથે જોડાયેલા પૂર્વજન્મના ઋણ અંગે વાત કરી હતી. તેમણે બ્રહ્માંડના અલગ અલગ પ્રકારો અને એના દર્શન વિશે શ્રીમદ ભાગવતમાં આપવામાં આવેલ વિગતોથી સહુને અવગત કર્યા હતા.
અંતિમ અને ત્રીજા સત્રમાં સ્ટાફને ઇનોવેશન તેમજ સામાજિક માળખામાં પાયાના સિદ્ધાંતોના અમલીકરણ અંગે સૃષ્ટિ સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ગાંધીજીના મૂલ્યો અને સમાજરચનામાં સાદગી અને સરળતા સાથે વૈચારિક બુદ્ધિમતાના વિકાસ અંગે વાત કરી હતી. એમણે વિવિધ ઉપકરણો અને યંત્રોમાં ડિઝાઇન ઇનોવેશ વિશે પોતાના અભિપ્રાયો અને અનુભવો વહેંચ્યા હતા સાથોસાથ શોધયાત્રા દ્વારા ભારતના અનેક જિલ્લાઓમાં એમણે કરેલ સંવાદો વિશે પણ વાત કરી હતી.
આ સમગ્ર આયોજન ગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ તથા એન્જીનીયરીંગ કોલેજના તમામ શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રો માટે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલું. કર્મચારીઓના આર્થિક, સામાજિક, ધાર્મિક તેમજ માનવીય મૂલ્યોમાં વધારો થાય અને શૈક્ષણિક ક્ષેત્રે તેઓ વિદ્યાર્થીઓનું વધુ સુંદર રીતે ઘડતર થઈ શકે એ આ આયોજનનો પ્રમુખ હેતુ રહ્યો હતો.


