દિવાળી પહેલાં દારૂનો સ્ટોક ઠાલવતા બુટલેગરો ગ્રામ્ય પોલીસના સકંજામાં : ચાર સ્થળે દરોડા
શાપરમાં કારખાનેદારે કારખાનામાં દારૂનો જથ્થો ઉતાર્યો ત્યાં જ એલસીબી ત્રાટકી; ત્રણ શખ્સો ઝડપાયા
ગોંડલમાં મકાનમાંથી 217 અને મોવિયામાં મહિલાના મકાનમાંથી 414 બોટલ દારૂ મળી આવ્યો : મહિલા સહિત સાત આરોપીઓ પોલીસના સકંજામાં
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસે દારૂના ગેરકાયદે ધંધા સામે કાર્યવાહી તેજ કરી છે. ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના બાદ એલસીબી અને ગોંડલ તાલુકા પોલીસની અલગ-અલગ ટીમોએ ચાર સ્થળે દરોડા પાડીને દારૂના વેપલામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લીધા છે. શાપરના ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનામાં જ દારૂનો જથ્થો ઉતારવામાં આવતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડતાં કારખાનેદાર સહિત ત્રણ શખ્સો ઝડપાયા હતા. જ્યારે ગોંડલમાં બે સ્થળે અને મોવિયામાં એક સ્થળે થયેલી કાર્યવાહીમાં વધુ ચાર શખ્સો પોલીસના હાથે લાગ્યા હતા. ચારેય દરોડામાં કુલ 797 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રથમ કાર્યવાહીમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શાપરના બંસીધર ઇન્ડસ્ટ્રીઝ-4માં આવેલા શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં વિદેશી દારૂનો જથ્થો વેચાણના હેતુથી ઉતારવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આથી પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડતાં કારખાનામાંથી 154 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી નિલેશ રમેશ ધામેલીયા (ઉ.વ.33, રહે. શ્રીનાથજી સોસાયટી, શાપર), સુરેશ ચકા ઉર્ફે જેઠાભાઈ વાજેલીયા (ઉ.વ.35, રહે. ગંગા ફોર્જિંગ ગેટની અંદર, શાપર) અને કિશન પ્રેમજી સોલંકી (રહે. શાપર)ને ઝડપી લીધા હતા. પોલીસે દારૂ ઉપરાંત મોબાઈલ ફોન અને રિક્ષા સહિત બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નિલેશ ધામેલીયાનું હોવાનું અને તેણે જ કારખાનામાં દારૂનો જથ્થો ઉતરાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય બે શખ્સો તેના માણસો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
બીજી તરફ એલસીબીની ટીમે ગોંડલના આશાપુરા ચોકડી પાસે આવેલા સિદ્ધાર્થનગરના ગરબી ચોકમાં રહેતા પૃથ્વીરાજસિંહ જનકસિંહ પરમાર (ઉ.વ.36)ના મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી અલગ-અલગ બ્રાન્ડની 217 બોટલ વિદેશી દારૂ મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પૂછપરછ કરતાં તેણે કોટડા સાંગાણી તાલુકાના ખરેડા ગામે રહેતા કુલદીપસિંહ ઉર્ફે કાનો જીતેન્દ્રસિંહ જાડેજા અને ગોંડલના રૂપાવટી ગામે રહેતા પ્રદિપસિંહ ગિરિરાજસિંહ રાયજાદા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે બંને સપ્લાયરોને પકડવા તપાસ શરૂ કરી છે.
એલસીબીની ત્રીજી કાર્યવાહીમાં ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી સબજેલ સામે રોયલ રેસિડેન્સીની શેરીના ખૂણેથી સુખપાલ ઉર્ફે સંજુ રવિદત શર્મા (ઉ.વ.36, રહે. સ્ટેશન પ્લોટ, કોલેજ ચોક, ગોંડલ)ને દારૂની 13 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચોથી અને મોટી કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પોલીસની ટીમે મોવિયા ગામે સરિતાબેન જ્યંતીભાઈ પરમારના મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનની તપાસ દરમિયાન વિદેશી દારૂની 414 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.70,664ની કિંમતનો દારૂ કબજે કરી સરિતાબેન પરમાર અને સવજી મેઘા ચાંડપા (રહે. મોવિયા)ની અટકાયત કરી હતી.
આમ, દિવાળીના તહેવાર પહેલાં જ ગ્રામ્ય પોલીસની ચાર અલગ-અલગ કાર્યવાહીમાં શાપર, ગોંડલ અને મોવિયામાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે કુલ 797 બોટલ દારૂ કબજે કરી મહિલા સહિત સાત શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે દારૂના સપ્લાયમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા તપાસ આગળ ધપાવી છે.


