રોકાણકારોની દિવાળી સુધરી
રિલાયન્સના શેરમાં ૬.૭૦ ટકાનો ઉછાળો
સ્ટોકમાં આવેલી તેજીથી કંપનીનું માર્કેટ કેપ ૧૬.૭૭ લાખ કરોડ પહોંચ્યુ : સેન્સેકસ ૧૦૦૦ અને નિફટીમાં ૨૫૦ પોઇન્ટની તેજી : ઓટો મેટલ અને બેંકિંગ શેરોમાં વધુ ખરીદી
અગ્ર ગુજરાત, મુંબઇ
શેર બજારમાં આજે 2 નવેમ્બરે તેજી છે. સેન્સેક્સ લગભગ 1,000 પોઇન્ટના વધારા સાથે 75,400ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 250 પોઇન્ટથી વધુની તેજી છે, તે 23,300 પર કારોબાર કરી રહ્યો છે. ઓટો, મેટલ અને બેંકિંગ શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે.
શેર માર્કેટની તેજીમાં અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર સૌથી મોટી ભૂમિકા ભજવતો જોવા મળ્યો. Reliance Share સમાચાર લખાય ત્યાં સુધી 6.70%ના ઉછાળા સાથે 1241 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. દેશની સૌથી મૂલ્યવાન કંપનીના સ્ટોકમાં આવેલા આ ઉછાળાએ બજારમાં તેજીની લહેર લાવી દીધી. RIL Stockમાં આવેલી આ તેજીના કારણે કંપનીનું માર્કેટ કેપ 16.77 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું.
રિલાયન્સના શેરમાં આવેલી આ તેજી પાછળ કંપનીના FY27ના બીજા ત્રિમાસિક ગાળાના શાનદાર પરિણામોની ભૂમિકા રહી, જેના બાદ અનેક બ્રોકરેજ કંપનીઓએ તેને લઈને સકારાત્મક આઉટલુક જાહેર કર્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ઑઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસ, ડિજિટલ સર્વિસિસ અને રિટેલ ઑપરેશન્સની વૃદ્ધિને કારણે શાનદાર પરિણામો આવ્યા. રિલાયન્સની કન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 28% વધીને 3.62 લાખ કરોડના ઑલ-ટાઇમ હાઈ પર પહોંચી ગઈ, જ્યારે EBITDA 24% વધીને 62,409 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યો. Relianceનો ચોખ્ખો નફો 34% વધીને 29,550 કરોડ રહ્યો.
માત્ર મુકેશ અંબાણીની રિલાયન્સનો શેર જ ધમાલ મચાવતો જોવા મળ્યો એવું નથી, પરંતુ અન્ય લાર્જકેપ કંપનીઓના સ્ટોક્સે પણ બજાર ખુલતાની સાથે જ ધૂમ મચાવી દીધી. તેમાં Tata Steel Share (4%), NTPC Share (3.40%), Maruti Share (2.80%), BEL Share (2.40%), Asian Paints Share (2.10%)ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા. આ ઉપરાંત મિડકેપ કેટેગરીમાં સામેલ Dixon Share (6.50%), Phoenix Ltd Share (3.40%), Glenmark Share (2.80%), Hindustan Petroleum Share (2.60%), Suzlon Share (2.10%) ઉછળીને કારોબાર કરી રહ્યા હતા.
બજારમાં આવેલી તેજીના 3 મોટા કારણો…
- વિદેશી અને સ્થાનિક રોકાણકારોની ખરીદી: લાંબા સમયથી વેચવાલી કરી રહેલા વિદેશી રોકાણકારો (FIIs)એ બુધવારે 871.83 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જ્યારે સ્થાનિક રોકાણકારો (DIIs)એ પણ 643.35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. આ ખરીદીથી બજારને મજબૂત ટેકો મળ્યો.
- દિગ્ગજ કંપનીઓના શાનદાર પરિણામો: સપ્ટેમ્બર ત્રિમાસિકના મજબૂત પરિણામોએ રોકાણકારોને આકર્ષ્યા. રિલાયન્સનો નફો 34% વધીને 29,550 કરોડ રૂપિયા રહ્યો, જેના કારણે તેના શેરમાં 4%થી વધુનો ઉછાળો આવ્યો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, NTPC, મારુતિ અને SBI જેવી મોટી કંપનીઓના શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી.
- કાચા તેલના ભાવોમાં થોડી રાહત: બ્રેન્ટ ક્રૂડ ઑઇલના ભાવોમાં આશરે 3%નો ઘટાડો થઈને તે 110 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયા. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ વિદેશથી મંગાવે છે, તેથી તેલના ભાવોમાં આવેલી આ હળવી નરમાઈ બજાર માટે સકારાત્મક રહી.
એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર
| ઇન્ડેક્સ | સ્તર | પૉઇન્ટમાં ફેરફાર | ટકાવારીમાં ફેરફાર |
| કોસ્પી (દક્ષિણ કોરિયા) | 5,826 | +97 | +1.90% |
| નિક્કેઈ (જાપાન) | 63,095 | -195 | -0.31% |
| હેંગસેંગ (હોંગકોંગ) | 23,426 | +131 | +0.28% |


