ઉપલેટાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોની આક્રોશ રેલી
ગુજરાત કિસાન સભાના પ્રદેશ અધ્યક્ષ ડાહ્યાલાલ ગજેરાની ઉપસ્થિતિમાં ખેડૂતોના સૂત્રોચ્ચાર; મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
અગ્ર ગુજરાત, ઉપલેટા
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં ખેડૂત આક્રોશ રેલી યોજવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કિસાન સભાના અધ્યક્ષ ડાહ્યાલાલ ગજેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીમાં ઉપલેટા શહેર અને તાલુકાના ખેડૂતો, મહિલા ખેડૂતો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
ઉપલેટાના આંબેડકર ચોકથી શરૂ થયેલી રેલી ગાંધી ચોક સુધી પહોંચી હતી. રેલી દરમિયાન ખેડૂતોએ વિવિધ માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરવામાં આવી હતી.ખેડૂતોએ જણાવ્યું હતું કે ઉપલેટા તાલુકામાં ઓછા વરસાદને કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે અને હાલની પરિસ્થિતિમાં શિયાળુ વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં ઉપલેટા તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આવેદનપત્રમાં ખેડૂતોનું ધિરાણ અને કરજ માફ કરવા, ખેડૂતોને રોજગારી મળી રહે તે માટે રાહત કામો શરૂ કરવા તેમજ ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોને રાહત દરે ઘાસચારો મળી રહે તે માટે ઘાસચારા કેન્દ્રો શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
ખેડૂત આગેવાનોએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો ઉપલેટા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને યોગ્ય રાહત આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન અને પ્રદર્શન કરવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાયેલી આ રેલીથી તાલુકામાં કૃષિ સંકટ અને રાહતની માંગ ફરી ચર્ચામાં આવી છે.


