એક પછી એક વિવાદો છતાં સંચાલક સામે કાર્યવાહી કેમ નહીં?
સરાઝા હોટેલ કે દારૂની મહેફિલોનો અડ્ડો.?
કાલાવાડ રોડની હાઈપ્રોફાઈલ હોટેલમાં દારૂકાંડ બાદ અનેક સવાલોનો મારો: 38 સામે ગુનો નોંધાયો પરંતુ હોટેલ સંચાલક કુશલ અનડકટ સામે કાર્યવાહીનો અભાવ ચર્ચામાં
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કાલાવાડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા સામે આવેલી સરાઝા હોટેલ હવે માત્ર લક્ઝરી સુવિધાઓ કે મહેમાનગતિ માટે નહીં, પરંતુ એક પછી એક સામે આવતા વિવાદો અને હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલોના પ્રકરણને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તાજેતરમાં હોટેલના બેન્કવેટ હોલમાં એલસીબી ઝોન-2 દ્વારા પાડવામાં આવેલા દરોડામાં વિદેશી દારૂની બોટલો સાથે મસમોટા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને વેપારીઓ ઝડપાતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજકોટના નાગરિકોના મનમાં એક જ સવાલ ઊભો કર્યો છે કે, શું સરાઝા હોટેલમાં અવારનવાર આવી મહેફિલો યોજાતી હોવાની ચર્ચાઓ પાછળ કોઈ હકીકત છે? જો આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય તો હોટેલ સંચાલન અને જવાબદાર તંત્રની ભૂમિકા શું છે?
31 ઓક્ટોબરની રાત્રે સરાઝા હોટેલના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં જન્મદિવસની એડવાન્સ ઉજવણીના નામે રંગીન મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 12 નવેમ્બરે આવનારા જન્મદિવસની ઉજવણી દિવાળીના તહેવારો અને રજાઓને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ગોઠવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે ચાલી રહેલી આ પાર્ટીનો વીડિયો પોલીસ સુધી પહોંચતાં એલસીબી ઝોન-2ની ટીમે આશરે રાત્રે એક વાગ્યે ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની એન્ટ્રી થતાં જ બેન્કવેટ હોલમાં અફરાતફરી મચી ગઈ હતી. યુ-આકારમાં ગોઠવાયેલા ટેબલો, ખાલી ગ્લાસ, કોલ્ડ્રિંક્સ અને વિદેશી દારૂની બોટલો વચ્ચે મહેફિલ માણતા લોકો મળી આવ્યા હતા.
આ દરોડામાં પોલીસને 33 મહિલાઓ અને આશરે 43 પુરુષો મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે. જોકે, આટલી મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છતાં માત્ર 38 વ્યક્તિઓ સામે જ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાની બાબત અનેક સવાલો ઊભા કરે છે. બાકીના લોકોની ભૂમિકા શું હતી? તેમની પૂછપરછ થઈ હતી કે નહીં? કોઈની જવાબદારી નક્કી કરવામાં આવી હતી કે કેમ? જો તમામ લોકો પાર્ટીમાં હાજર હતા તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી માટે કયા માપદંડ અપનાવવામાં આવ્યા? આ સવાલોના સ્પષ્ટ જવાબો જાહેર થાય તે જરૂરી છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો પ્રશ્ન હોટેલના માલિક અને સંચાલક કુશલ અનડકટની ભૂમિકાને લઈને ઊભો થયો છે. હોટેલના બેન્કવેટ હોલમાં આટલી મોટી પાર્ટી યોજાય, ટેબલો ગોઠવાય, પીણાંની વ્યવસ્થા થાય અને વિદેશી દારૂની બોટલો અંદર સુધી પહોંચે, ત્યારે હોટેલ મેનેજમેન્ટને તેની જાણ હતી કે નહીં? જો જાણ હતી તો તેની જવાબદારી નક્કી કરવામાં આવી છે કે કેમ? અને જો જાણ નહોતી તો હોટેલની સુરક્ષા તથા આંતરિક વ્યવસ્થાની દેખરેખ કેવી રીતે ચાલે છે? આ સવાલોનો જવાબ આપવાની જવાબદારી હવે હોટેલ સંચાલન અને પોલીસ બંનેની બને છે.
લોકમુખે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે સરાઝા હોટેલમાં અગાઉ પણ આ પ્રકારની મહેફિલો યોજાઈ હોવાના આક્ષેપો થયા છે. જોકે, આ અગાઉની ઘટનાઓની સત્તાવાર પુષ્ટિ અને વિગતો સામે આવવી જરૂરી છે. જો અગાઉ પણ ફરિયાદો કે બાતમીઓ મળી હોય તો તેના પર શું કાર્યવાહી કરવામાં આવી હતી, તેની તપાસ થવી જોઈએ. હોટેલમાં સીસીટીવી કેમેરા હોવા છતાં આવી પાર્ટી યોજાઈ અને પોલીસ દરોડા સુધી વાત પહોંચી તો સીસીટીવી ફૂટેજમાં શું સામે આવ્યું તે પણ તપાસનો મહત્ત્વનો મુદ્દો છે. બીજી તરફ, આ પાર્ટીમાં મોરબી અને રાજકોટના જાણીતા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને વેપારીઓની હાજરીની ચર્ચાએ પ્રકરણને વધુ ગંભીર બનાવ્યું છે.
આ ઉપરાંત, સમગ્ર પ્રકરણનું કવરેજ કરવા ગયેલા પત્રકાર સાથે પોલીસની મહિલા અધિકારી દ્વારા ગેરવર્તણૂક કરી કાંઠલો પકડી લેવાનો આક્ષેપ સામે આવતાં વિવાદે નવો વળાંક લીધો છે. પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠાવવાનું અને ઘટનાસ્થળની હકીકતો લોકો સુધી પહોંચાડવાનું પત્રકારનું કામ છે. ત્યારે કવરેજ દરમિયાન આવું વર્તન થયું હોવાના આક્ષેપે રાજકોટના પત્રકાર આલમમાં ભારે રોષ ફેલાવ્યો છે. આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઊઠી છે. પોલીસ કમિશનર દ્વારા આ ઘટનાની તપાસ માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કૈલાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હવે સવાલ માત્ર દારૂની મહેફિલમાં ઝડપાયેલા 38 લોકો સામે નોંધાયેલા ગુનાનો નથી. સવાલ એ છે કે હોટેલમાં આવી પાર્ટીનું આયોજન કોણે કર્યું, દારૂ અંદર કેવી રીતે પહોંચ્યો, હોટેલ મેનેજમેન્ટની ભૂમિકા શું હતી, હાજર તમામ લોકોની તપાસ થઈ કે નહીં અને હોટેલ સંચાલક સામે કાર્યવાહી કેમ થઈ નથી? પોલીસ, કલેક્ટર અને સંબંધિત વિભાગો દ્વારા હોટેલના સીસીટીવી ફૂટેજ, બુકિંગ રેકોર્ડ, બેન્કવેટ હોલની મંજૂરીઓ અને જવાબદાર વ્યક્તિઓની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે. અન્યથા સરાઝા હોટેલનો આ દારૂકાંડ માત્ર એક રેડની ઘટના બનીને રહી જશે અને રાજકોટમાં કાયદાના અમલ સામે ઊઠેલા સવાલો યથાવત રહેશે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાંજ પોલીસ એક્ટિવ થઈ હોવાની ચર્ચા
સરાઝા હોટેલમાં થયેલી દારૂની મહેફિલનો મામલો સામે આવતાં જ પાર્ટીના આયોજન અંગે અનેક વિગતો ચર્ચામાં આવી છે. આગામી 12 નવેમ્બરે જન્મદિવસ હોવાથી દિવાળીના તહેવારોની રજાઓને ધ્યાનમાં રાખીને 31 ઓક્ટોબરની રાત્રે જ એડવાન્સ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હોટેલના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે તેનો વીડિયો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ રાત્રિના આશરે એક વાગ્યે એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસની એન્ટ્રી થતાં જ પાર્ટીમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હોટેલના પાર્કિંગમાં મોંઘીદાટ લક્ઝરી કારોનો કાફલો પણ જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં રાજકોટ અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિઓ તથા વેપારીઓ હાજર હોવાની ચર્ચાએ પ્રકરણને વધુ હાઈપ્રોફાઈલ બનાવી દીધું છે.
હોટેલ સંચાલક કુશલ અનડકટ સામે કાર્યવાહી કેમ નહીં?
સરાઝા હોટેલના દારૂકાંડમાં સૌથી વધુ ચર્ચા હોટેલ સંચાલક કુશલ અનડકટની ભૂમિકાને લઈને થઈ રહી છે. હોટેલના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં પાર્ટી યોજાઈ, ટેબલો ગોઠવાયા અને વિદેશી દારૂની બોટલો પણ મળી આવી. ત્યારે હોટેલ મેનેજમેન્ટ આ આયોજનથી અજાણ હતું કે નહીં તે તપાસનો વિષય છે. બેન્કવેટ હોલનું બુકિંગ કોણે કરાવ્યું હતું? પાર્ટી માટે કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી? હોટેલના સીસીટીવીમાં શું કેદ થયું છે? આ તમામ બાબતોની તપાસ થવી જોઈએ. હોટેલ સંચાલકની કોઈ ભૂમિકા હોય તો કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ અને ભૂમિકા ન હોય તો તે અંગે પણ સ્પષ્ટતા થવી જોઈએ. માત્ર મહેફિલમાં હાજર લોકો સામે કાર્યવાહી કરીને સમગ્ર જવાબદારી પૂર્ણ થઈ જાય છે કે કેમ તે મોટો સવાલ છે.
હોટેલ અને પોલીસ વચ્ચેના સંબંધોની ચર્ચા: રાજકીય ઓથના આક્ષેપોની તપાસ જરૂરી
સરાઝા હોટેલમાં અગાઉ પણ આવી મહેફિલો યોજાઈ હોવાના આક્ષેપો અને લોકચર્ચા હવે ફરી સામે આવી છે. જો અગાઉ પણ પોલીસને આવી પ્રવૃત્તિઓ અંગે જાણ થઈ હોય તો કઈ કાર્યવાહી કરવામાં આવી હતી તે તપાસવું જરૂરી છે. હોટેલ સંચાલકો અને પોલીસ વચ્ચે કોઈ ખાસ સંબંધો હોવાની તથા રાજકીય વગના આધારે છૂટછાટ મળતી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. જોકે, આ પ્રકારના આક્ષેપોની હકીકત તપાસ વિના સ્વીકારી શકાય નહીં. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ અગાઉની ફરિયાદો, બાતમીઓ, હોટેલના બુકિંગ રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવી જોઈએ, જેથી કોઈને છાવરવામાં આવ્યા છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે.
પત્રકારનો કાંઠલો પકડવાનો આક્ષેપ: ખાખીની વર્તણૂક સામે પત્રકાર આલમમાં રોષ
સરાઝા હોટેલના દારૂકાંડનું કવરેજ કરવા ગયેલા પત્રકાર સાથે મહિલા પોલીસ અધિકારી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી અને જાહેરમાં કાંઠલો પકડી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવતાં રાજકોટના પત્રકાર જગતમાં ભારે રોષ ફેલાયો છે. દારૂકાંડમાં પોલીસની કામગીરી અંગે સવાલો ઊઠી રહ્યા હોય ત્યારે પત્રકારને કવરેજ કરતાં અટકાવવાના પ્રયાસો થયા હોવાની ફરિયાદે વિવાદને વધુ વેગ આપ્યો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને પત્રકાર આલમ દ્વારા જવાબદાર અધિકારી સામે તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલાની તપાસ માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કૈલાને સોંપવામાં આવી છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને પત્રકાર સાથે થયેલા વર્તન અંગે જવાબદારી કોની નક્કી થાય છે તેના પર સૌની નજર છે.


