ગીર સોમનાથ જીલ્લામાં વરસાદની ઘટથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્યની માંગ
ખેડૂતો માટે વિશેષ આર્થિક પેકેજ મંજૂર કરવા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાજય સરકારને રજૂઆત કરી
અગ્ર ગુજરાત, વેરાવળ
ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લાના છએય તાલુકામાં ચાલુ વર્ષે અપૂરતા વરસેલ વરસાદના કારણે ડેમોમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી આગામી સમય કપરો હોવાના ભણકારા વાગી રહ્યા છે. હાલની પરિસ્થિતિના લીધે ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયાની સાથે પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાય છે. ત્યારે વર્તમાન દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને લઈ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ જીલ્લાને તાત્કાલિક અસરથી ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવા અને ખેડુતો માટે વિશેષ આર્થિક પેકેજ મંજૂર કરવા લેખિત રજૂઆત કરી છે.
ધારાસભ્ય ચુડાસમાએ જણાવ્યું છે કે,ચાલુ ઓછા વરસેલ વરસાદના પગલે ભારે ખેંચને કારણે ખેતરોમાં લહેરાતા ઉભા પાકો સુકાઈ ગયા છે. જેનાથી ખેડૂતોને બિયારણ, ખાતર અને મજૂરીનો મોંઘોદાટ ખર્ચ માથે પડ્યો છે. આ સાથે જ જીલ્લામાં પીવાના પાણીની સમસ્યા અને પશુઓ માટે ઘાસચારાની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ખેડૂતો અને પશુપાલકોના હિતમાં રાજ્ય સરકાર પગલા ભરે તેવી માંગ કરી છે.
જેમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને સત્તાવાર રીતે અછતગ્રસ્ત અથવા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, ઓછા વરસાદના પગલે પાક નિષ્ફળ જવાથી ખેડુતો આર્થિક પાયમાલી તરફ ધકેલાયેલા તેવી પરિસ્થિતિમાં હોવાથી ખેડુતો માટે તાત્કાલિક વિશેષ સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી છે. આ ઉપરાંત ખેડૂતોના પાકોને થયેલા નુકસાની પરિસ્થિતિનો સર્વે કરાવી કૃષિ ધિરાણમાં રાહત આપવામાં આવે, પશુઓ માટે વિનામૂલ્યે કે રાહત દરે ઘાસચારો પૂરો પાડવા ડેપો શરૂ કરવામાં આવે અને ગામડાઓમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂર છે.
જો રાજ્ય સરકાર હાલની વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક આર્થિક ટેકો નહીં આપે તો જીલ્લાનો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ જશે. ચોમાસું નિષ્ફળ જતાં ઊભી થયેલી આ ગંભીર પરિસ્થિતિને સરકાર યુદ્ધના ધોરણે ધ્યાને લઈ વહેલી તકે હકારાત્મક નિર્ણય કરે તેવી અંતમાં માંગ કરી છે.


