મેટોડા જીઆઇડીસીમાં ગાંજાના જથ્થા સાથે યુપીનો શખ્સ ઝડપાયો
વેચાણના ઇરાદે રાખેલો 1.686 કિલો ગાંજો જપ્ત; એન્ટી નાર્કોટિક્સ વિંગે દરોડો પાડી રૂ.89,300નો મુદ્દામાલ કબજે કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં નશાના કારોબાર સામે કાર્યવાહી કરતાં એન્ટી નાર્કોટિક્સ વિંગે ગાંજાના જથ્થા સાથે ઉત્તર પ્રદેશના એક શખ્સને ઝડપી લીધો છે. આરોપી વેચાણ કરવાના ઇરાદે ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખતો હોવાની બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 1 કિલો 686 ગ્રામ ગાંજો મળી આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી રૂ.84,300ની કિંમતનો માદક પદાર્થ કબજે કર્યો હતો.
મળતી માહિતી મુજબ, મેટોડા જીઆઇડીસી ગેટ નંબર-3 પાસે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની સરફરાઝ હુસૈન પીર મહમદે પોતાના કબજામાં ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખ્યો હોવાની ચોક્કસ બાતમી એન્ટી નાર્કોટિક્સ વિંગને મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી સરફરાઝને ઝડપી લીધો હતો. તેની પાસેથી 1 કિલો 686 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.84,300 થવા જાય છે. આ ઉપરાંત એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ, ગાંજા અને મોબાઇલ સહિત કુલ રૂ.89,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઇ જે.એ. ખાચર, પીએસઆઇ જી.જે. ઝાલા સહિતની ટીમે કરી હતી. જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, સુરપાલસિંહ જાડેજા, ચિરાગભાઇ કોઠીવાર, લોકરક્ષક લક્કીરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ એસઓજીના હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ વિરડા, કોન્સ્ટેબલ વિપુલભાઇ ગોહિલ, વિજયગીરી ગોસ્વામી અને નવદીપભાઇ બાબરીયાનો સહયોગ રહ્યો હતો.


