ક્રાંતિકારીઓનાં ચિત્રો પર થૂંકવું એ માત્ર તેમનું નહીં, પરંતુ રાષ્ટ્રનું અપમાન છે” — સંજય કાકડિયા
રિંગ રોડ પર ક્રાંતિકારીઓનાં ચિત્રોની તાત્કાલિક સફાઈ અને CCTV કેમેરા લગાવવાની માગણી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રૈયા ચોકડી સ્થિત 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બ્રિજ પર દોરવામાં આવેલાં દેશના મહાન ક્રાંતિકારીઓનાં ચિત્રો પર કેટલાક લોકો દ્વારા થૂંકવામાં આવતું હોવાની બાબત સામે આવતાં Clean Up Rajkotના મેમ્બર સંજય કાકડિયાએ ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.
દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા ક્રાંતિકારીઓનાં ચિત્રો પર થૂંકવું એ અત્યંત નિંદનીય કૃત્ય છે. આ માત્ર ચિત્રોનું અપમાન નથી, પરંતુ દેશના મહાન ક્રાંતિકારીઓના બલિદાન, સંઘર્ષ અને રાષ્ટ્રીય ગૌરવને ઠેસ પહોંચાડતી બાબત છે.
આ મામલે Clean Up Rajkotના મેમ્બર સંજય કાકડિયા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તુષાર સુમેરા તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હેડ શ્રી પ્રજેશભાઈ સોલંકીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ક્રાંતિકારીઓનાં ચિત્રોની વહેલી તકે યોગ્ય રીતે સફાઈ કરાવવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં ભરવાની માગણી કરવામાં આવી છે.
સંજય કાકડિયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ દેશના મહાન ક્રાંતિકારીઓનું સન્માન જળવાઈ રહે તે માટે તંત્રએ ગંભીરતાથી પગલાં લેવાં જોઈએ. સંબંધિત સ્થળે CCTV કેમેરા લગાવવામાં આવે, જેથી ચિત્રોને ગંદાં કરનારા જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરી શકાય અને લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ મુજબ તેમની સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી અને દેશના મહાન ક્રાંતિકારીઓનું સન્માન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. આવી બેજવાબદાર પ્રવૃત્તિઓ અટકાવવા માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાની સાથે તંત્ર દ્વારા પણ કાયમી ઉકેલ આવે તેવાં પગલાં ભરવાં જરૂરી છે.
આ લેખિત રજૂઆતના સંદર્ભમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હેડ શ્રી પ્રજેશભાઈ સોલંકી દ્વારા દિવાળી પહેલાં ક્રાંતિકારીઓનાં ચિત્રોની યોગ્ય રીતે સફાઈ કરાવી તેમને સ્વચ્છ બનાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.


