મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨ના બે શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો
અગ્ર ગુજરાત, સુરત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત નાના વરાછા સ્થિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨ના વડીલ શિક્ષકો હસમુખભાઈ ચૌહાણ તથા અરજણભાઈ બાથાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં, શાળા પરિવાર દ્વારા એક ભાવસભર અને સુંદર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો શુભારંભ સુમધુર પ્રાર્થના અને ઉપસ્થિત માનવંતા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત સૌ મહેમાનો અને સ્નેહીજનોનું શબ્દપુષ્પ તેમજ પુષ્પગુચ્છ વડે હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું.
નિવૃત્ત થઈ રહેલા બંને શિક્ષકોના સ્નેહીજનો અને સાથી શિક્ષકો કનુભાઈ બેલડિયા તથા ઈ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ બાબુભાઈ વિરડિયાએ તેમના શૈક્ષણિક કાર્યકાળના પ્રેરણાદાયી સંસ્મરણો વાગોળ્યાં હતાં. શિક્ષક ચમનભાઈ ચોપડાએ સન્માનપત્રનું ભાવવાહી વાચન કર્યું હતું. શાળા પરિવારના સૌ શિક્ષક ભાઈ-બહેનો દ્વારા નિવૃત્ત થતા બંને શિક્ષકોનું સજોડે પુષ્પહાર, શાલ, શ્રીફળ, શુકનનો પડો, સન્માનપત્ર તથા સ્મૃતિ ભેટ અર્પણ કરી અક્ષત અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ નિમિત્તે ઉપસ્થિત રહેલા સૌ સ્નેહીજનો અને શુભેચ્છકોનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શાળાના શિક્ષક રાજેશકુમાર ધામેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.


