દારૂના ગુનામાં છ વર્ષથી પોલીસને હાથતાળી આપતો રાજસ્થાની સપ્લાયર ઝડપાયો
કોટડા સાંગાણીમાં ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો તે કેસમાં આરોપી ફરાર હતો; રૂરલ એલસીબીએ ઝડપી પાડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લામાં દારૂના ગુનાઓમાં લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી ફરતા રાજસ્થાનના સપ્લાયરને આખરે રૂરલ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. કોટડા સાંગાણી પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા છ વર્ષથી અને મોરબી જિલ્લાના વાંકાનેર પોલીસ મથકના ગુનામાં પાંચ વર્ષથી ફરાર રહેલો આરોપી પોલીસના હાથે ઝડપાતા બંને ગુનાઓમાં તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ફરાર આરોપીઓને શોધી કાઢી ઝડપી લેવા આપવામાં આવેલી સૂચનાના આધારે ગ્રામ્ય એલસીબીના પીઆઇ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વર્ષ 2020માં કોટડા સાંગાણી પોલીસ મથક વિસ્તારમાં ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હોવાના ગુનામાં સંડોવાયેલો આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું હતું. આ ગુનામાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના જોરાપુર ગામે રહેતો હરીરામ સતારામ ચૌધરી (ઉ.વ.30) ફરાર હતો. તેની સામે કોર્ટ દ્વારા સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. જેથી એલસીબીની ટીમે આરોપીને શોધી કાઢવા માટે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન તેના સગડ મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
વધુ તપાસમાં સામે આવ્યું હતું કે, હરીરામ ચૌધરી વિરુદ્ધ માત્ર કોટડા સાંગાણી જ નહીં, પરંતુ મોરબી જિલ્લાના વાંકાનેર પોલીસ મથકમાં પણ દારૂ અંગેનો ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં પણ તે છેલ્લા પાંચ વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આમ, બે અલગ અલગ જિલ્લાના દારૂના ગુનાઓમાં લાંબા સમયથી ફરાર રહેલા રાજસ્થાની સપ્લાયરને ઝડપી લેવામાં રૂરલ એલસીબીને સફળતા મળી છે.


