લોન ભરપાઈના બહાને ખેડૂતના રૂ.21 લાખ સેરવી લેવાયા
મેટોડા એક્સિસ બેંકના કર્મચારીની કરામત: લોનના હપ્તા ભરવાના નામે ખેડૂતનો મોબાઇલ લઈ પત્નીના ખાતામાં રૂ.19 લાખ ટ્રાન્સફર કર્યા, રૂ.2 લાખ રોકડા પણ પડાવી લીધા; વ્યાજ ભરવા બેંકનો ફોન આવતાં ઠગાઈનો પર્દાફાશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં બેંકના કર્મચારી પર જ ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરી લાખો રૂપિયા સેરવી લેવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. મેટોડા સ્થિત એક્સિસ બેંકના લોન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ ખેડૂતની લોન વહેલી ભરપાઈ કરાવી આપવાના બહાને રૂ.21 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. આરોપીએ ખેડૂતનો વિશ્વાસ સંપાદન કરી બે વખત તેમના મોબાઇલ ફોનનો કબજો લીધો હતો અને લોનના ખાતામાં નાણાં જમા થઈ ગયાનો ખોટો ભરોસો આપ્યો હતો. હકીકતમાં ખેડૂતના ખાતામાંથી એક્સિસ બેંકમાં ટ્રાન્સફર થયેલા રૂ.19 લાખ આરોપીએ પોતાની પત્નીના બેંક ખાતામાં મોકલી દીધા હતા, જ્યારે રૂ.2 લાખ રોકડા પણ લઈ લીધા હતા. બેંકમાંથી વ્યાજ ભરવા માટે ફોન આવતાં સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.
આ ચોંકાવનારા બનાવમાં મવડીના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી અલયવાટીકા સોસાયટીમાં રહેતા અને ઢાંઢણી ગામે ખેતીની જમીન ધરાવતા 53 વર્ષીય ખેડૂત અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં મેટોડા એક્સિસ બેંકના લોન વિભાગમાં નોકરી કરતા ભાવિન રમેશ વરસાણીનું નામ ખુલ્યું છે. ફરિયાદ મુજબ, ખેડૂતને પોતાના મકાનના રિનોવેશન માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેમણે ખેતીની જમીન સામે એગ્રીકલ્ચર લોન મેળવવા મેટોડા એક્સિસ બેંકનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન બેંકના લોન વિભાગના કર્મચારી ભાવિન વરસાણી અને તુષાર નામના અન્ય કર્મચારી સાથે તેમનો પરિચય થયો હતો.
આ બંને કર્મચારીઓના સંપર્ક બાદ એપ્રિલ-2025માં ખેડૂતને રૂ.23.60 લાખની લોન મંજૂર થઈ હતી. લોનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાવિન અવારનવાર ખેડૂતના ઘરે આવવા લાગ્યો હતો. વાતચીત અને વ્યવહાર દ્વારા તેણે ખેડૂત સાથે ઘરોબો કેળવી લીધો હતો અને ધીમે ધીમે તેમનો વિશ્વાસ પણ જીતી લીધો હતો. બેંકનો કર્મચારી હોવાથી ખેડૂતને તેની વાત પર કોઈ શંકા ગઈ નહોતી. લોન લીધાના આશરે છ મહિના બાદ ખેડૂત પાસે નાણાંની વ્યવસ્થા થઈ જતાં તેમણે વહેલી તકે લોન ભરપાઈ કરવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે ભાવિને ખેડૂતને સમજાવ્યું હતું કે, લોનની રકમ ભરવા માટે પહેલાં ગ્રામીણ બેંકના ખાતામાંથી એક્સિસ બેંકના પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા પડશે.
આ સલાહ મુજબ ખેડૂતે 25 સપ્ટેમ્બર, 2025ના રોજ પોતાના ગ્રામીણ બેંકના ખાતામાંથી રૂ.10 લાખ આરટીજીએસ મારફતે એક્સિસ બેંકના ખાતામાં જમા કરાવ્યા હતા. આ જ દિવસે ભાવિન ખેડૂતના ઘરે પહોંચ્યો હતો અને લોન ખાતામાં રકમ જમા કરાવવાની પ્રક્રિયા કરવાના બહાને ખેડૂતનો મોબાઇલ ફોન પોતાના હાથમાં લીધો હતો. થોડીવાર બાદ ફોન પરત આપીને લોનની રકમ જમા થઈ ગઈ હોવાનું જણાવી ખેડૂતને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ 6 ઓક્ટોબર, 2025ના રોજ ખેડૂતે ફરીથી રૂ.9 લાખ એનઇએફટી મારફતે એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત લોનની ભરપાઈ પેટે રૂ.2 લાખ રોકડા પણ ભાવિનને આપ્યા હતા. આ વખતે પણ ભાવિને ખેડૂતનો મોબાઇલ ફોન લઈને જરૂરી કાર્યવાહી કરી હોવાનો દેખાવ કર્યો હતો અને નાણાં લોન ખાતામાં જમા થઈ ગયાની ખાતરી આપી હતી.
આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું માની ખેડૂત નિશ્ચિંત થઈ ગયા હતા. જોકે, મે-2026માં અચાનક બેંકમાંથી લોનનું વ્યાજ ભરવા માટે ફોન આવ્યો હતો. આથી ખેડૂતને આશ્ચર્ય થયું હતું. તેમણે તાત્કાલિક ભાવિનનો સંપર્ક કરતાં તેણે આ રકમ સામાન્ય ચાર્જ હોવાનું જણાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે રૂ.1.32 લાખ પોતે ભરી દીધા હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ ખેડૂતને શંકા જતાં 15 જૂન, 2026ના રોજ એક્સિસ બેંકની કે.કે.વી. બ્રાન્ચ ખાતે રૂબરૂ જઈ લોન વિભાગમાં તપાસ કરાવી હતી. ત્યારે જે હકીકત સામે આવી તેનાથી ખેડૂતના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બેંકના રેકોર્ડ મુજબ તેમના લોન ખાતામાં એક પણ રૂપિયો જમા થયો નહોતો.
બેંકની તપાસમાં સામે આવ્યું હતું કે, ખેડૂતના એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયેલા રૂ.19 લાખ ભાવિને પોતાના ખાતા મારફતે પત્ની વૈશાલીબેનના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે ખેડૂત પાસેથી લોન ભરવાના નામે લીધેલા રૂ.2 લાખ રોકડા પણ પરત કર્યા નહોતા. આમ, કુલ રૂ.21 લાખની છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું. આ અંગે ખેડૂતે ભાવિનના પિતા સાથે વાતચીત કરતાં તેમણે ભાવિન ગુમ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું અને પરત આવ્યા બાદ નાણાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં ભાવિન પરત ન આવતાં અને નાણાં પણ નહીં મળતાં આખરે ખેડૂતે પોલીસનું શરણું લીધું હતું. આ મામલે તાલુકા પોલીસે ભાવિન રમેશ વરસાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેંકના કર્મચારી તરીકે મળેલી વિશ્વસનીયતાનો ઉપયોગ કરીને ખેડૂતની જીવનભરની કમાણીમાંથી રૂ.21 લાખ સેરવી લેવાના આક્ષેપથી બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોની સુરક્ષા અને કર્મચારીઓની જવાબદારી સામે પણ સવાલો ઊભા થયા છે.


