પનીર ચાર નમૂના ફેલ, ફરસાણ, ડેરી સહિતની ૬૨ પેઢીમાં મનપાનો દરોડો
ચામુંડા ફરસાણમાં ૨૫૧ સહિત ૨૬૯ કિલો અખાદ્ય જથ્થાનો નાશ : ૧૧ હજારનો દંડ
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ વિભાગની વિશેષ સર્વેલન્સ ડ્રાઇવ દરમિયાન અગાઉ લેવાયેલા પનીરના સેમ્પલમાંથી 4 સેમ્પલ “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયા છે. આ ઉપરાંત, શહેરમાં 62 જેટલી વેપારી પેઢીઓ પર દરોડા પાડીને રૂ. 11,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે અને 269 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે.
ફોર્ચ્યુન મિલ્ક & ફૂડ પ્રોડક્ટસ (લાતી પ્લોટ, શેરી નં. 4): લૂઝ પનીરના નમૂનામાં Test for Foreign Fat (બાહ્ય ચરબી/ચોક્કસ ભેળસેળ) ની માત્રા મર્યાદા કરતાં વધુ મળતા નમૂનો ફેઇલ જાહેર.
શ્રી ગાયત્રી ડેરીફાર્મ (પુનિતનગર મેઇન રોડ, બજરંગવાડી): પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ નિયમ મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું આવતા સેમ્પલ ફેઇલ.
પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા (સેટેલાઈટ ચોક, મોરબી રોડ): પનીરમાં મિલ્ક ફેટ ઓછું, ભેજ (Moisture) નું પ્રમાણ વધુ તથા Foreign Fat મળી આવતા સેમ્પલ ફેઇલ.
ભગવતી ટ્રેડીંગ (વિજય પ્લોટ-11 નો ખૂણો, ગોંડલ રોડ): પનીરમાં મિલ્ક ફેટ ઓછું તેમજ મોઇશ્ચર અને Foreign Fat નું પ્રમાણ વધુ આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર.
તહેવારોમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા ફૂડ વિભાગે શહેરના મોરબી રોડ, મવડી, નાના મવા, અંબિકા ટાઉનશીપ અને રાજનગર ચોક વિસ્તારની કુલ 62 પેઢીઓમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું.
મોરબી રોડ સ્થિત ચામુંડા ફરસાણ માંથી ફરસાણમાં વપરાતો 21 કિલો સોડા એસ (વોશિંગ સોડા) તેમજ 230 કિલો વાસી તીખી પાપડી, સેવ અને બુંદી મળી કુલ 251 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરાયો હતો. પેઢીને રૂ. 5,000નો દંડ કરી ફરસાણના 4 સેમ્પલ લેવાયા હતા.
સત્ય સાંઈ રોડ સ્થિત THE HAMPER STORE માંથી એક્સપાયર થયેલ ચોકલેટ મોલ્ડ અને તેમાંથી બનાવેલી ચોકલેટનો 18 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો અને રૂ. 2,000નો દંડ વસૂલાયો.
તપાસ દરમિયાન અવધ ડેરીફાર્મ (મવડી) ખાતેથી મિક્સ દૂધનો નમૂનો લેવાયો હતો. આ ઉપરાંત શિવમ મેડિસિન્સ, પ્રતીક મેડિસિન્સ, શ્રી ગણેશ ડેરી, સુમિત પ્રોવિઝન, ચિત્રા પ્રોવિઝન, સતનામ જનરલ સ્ટોર્સ, અને ક્રિષ્ના ટ્રેડિંગ સહિતની પેઢીઓને ફૂડ લાઇસન્સ તથા હાઇજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.


