દિવાળી પહેલા પ્રદુષણ ખતરનાક સ્તરે
રાજધાનીમાં ગુંગણામણ કરતી હવા-માસ્ક ફરજીયાત
વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ દ્વારા દિલ્હી-NCRમાં GRAP-3 હેઠળના પ્રતિબંધો લાગુ : AQI ૪૦૦એ પહોંચ્યો
ત્રણ દિવસ સુધી હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં રહેવાની આગાહી : લોકોના સ્વાસ્થયને અસર
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દિલ્હી-એનસીઆરમાં દિવાળી પહેલાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, GRAP-3ના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યો છે. દિવાળી પહેલાં જ દિલ્હી-એનસીઆરમાં હવા પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM) દ્વારા GRAP-3 હેઠળના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. દિવાળી પહેલાં જ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ ગઈ છે.
પ્રદૂષણની બગડતી સ્થિતિ અને આગામી ત્રણ દિવસ સુધી હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં રહેવાની આગાહીને ધ્યાનમાં રાખીને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ શુક્રવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ત્રીજા તબક્કાના પ્રતિબંધો લાગુ કર્યા છે.
આ અંતર્ગત સમગ્ર એનસીઆરમાં ધૂળ ફેલાવતી બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હી-એનસીઆરની સરકારોને સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા અંગે નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે.
શુક્રવારે દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 382 નોંધાયો હતો, જે ‘ગંભીર’ શ્રેણીની મર્યાદા (401)ની નજીક છે. ગુરુવારે આ આંકડો 369 હતો. રાજધાનીના કુલ 38 હવા ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રોમાંથી 26 કેન્દ્રો પર હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ હતી, જ્યારે 31 કેન્દ્રો પર સ્થિતિ ‘ખૂબ જ ખરાબ’ રહી હતી.
પવનની ધીમી ગતિ બની મુશ્કેલી
પુણે સ્થિત ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા (IITM)ની આગાહી અનુસાર, 7થી 9 નવેમ્બર સુધી દિલ્હીની હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં રહી શકે છે. ત્યારબાદ પણ આગામી છ દિવસ સુધી પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’થી ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીની વચ્ચે રહેવાની શક્યતા છે. હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને પવનની ધીમી ગતિને કારણે પ્રદૂષિત કણો વાતાવરણમાં જમીનની સપાટીની નજીક જમા થઈ રહ્યા છે. તેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.
GRAP-3 હેઠળ લાગુ કરાયેલા મુખ્ય પ્રતિબંધો
1. બાંધકામ અને તોડફોડ પર પ્રતિબંધ
સમગ્ર એનસીઆરમાં ધૂળ ફેલાવતી બાંધકામ (Construction) અને તોડફોડ (Demolition)ની પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ રહેશે.
- 50 ટકા વર્ક ફ્રોમ હોમ
દિલ્હી અને એનસીઆરની રાજ્ય સરકારો સરકારી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા અંગે નિર્ણય લેશે.
- કડક કટોકટીનાં પગલાં
પ્રદૂષણનું સ્તર વધુ ગંભીર બને તે અટકાવવા માટે કટોકટી સંબંધિત પગલાં તાત્કાલિક અસરથી અમલમાં રહેશે. દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં હવાની ગુણવત્તા પર ખાસ નજર રાખવામાં આવશે.
શાળાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ
દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ વીડિયો સંદેશ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે વાલીઓને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અભ્યાસના વિકલ્પનો ઉપયોગ કરવા અપીલ કરી છે. જોકે, શાળાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો નથી. શાળાઓમાં નિયમિત વર્ગો ચાલુ રહેશે અને સાથે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવાની રહેશે. બાળકો શાળાએ જવા કે ઘરે રહીને અભ્યાસ કરવા અંગે પસંદગી કરી શકશે.


