વરસાદની ઘટથી પરિસ્થિતિ ગંભીર બની
ગીરમાં જળસંકટ, વન્યજીવો માટે પાણીની અછત
ફેબ્રુઆરી-માર્ચથી શરૂ થતી પાણીની વ્યવસ્થા ઓકટોબરના અંતથી જ શરૂ કરવી પડી : જંગલમાં ૬૫૦થી વધારે કૃત્રિક જળસ્ત્રોત બનાવવાનો પ્રારંભ
પોઇન્ટમાં પાણી પુરવઠો પહોંચાડવા તંત્રની કવાયત
અગ્ર ગુજરાત, જૂનાગઢ
ગીર અને ગિરનારનાં જંગલોમાં અપૂરતા વરસાદને કારણે વન્યજીવો માટે પાણીની અછત ઊભી થઈ છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં શરૂ થતી પાણીની વ્યવસ્થા આ વખતે ઓક્ટોબરના અંતથી જ શરૂ કરવાની ફરજ પડી છે. સિંહ, દીપડા સહિતનાં વન્યજીવોને પીવાનું પાણી મળી રહે તે માટે વન વિભાગે 650થી વધુ કૃત્રિમ જળસ્રોતોને કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી છે.
આ વર્ષે વરસાદની અછતની અસર ગીર અને ગિરનારનાં જંગલોમાં પણ જોવા મળી રહી છે. જંગલનાં કુદરતી જળસ્રોતો, નદીઓ, નાળા અને ચેકડેમ સમય કરતાં વહેલા સુકાઈ જતાં વન્યજીવો માટે પાણીની મુશ્કેલી (Girnar Water Crisis)ઊભી થઈ છે. સામાન્ય રીતે શિયાળા બાદ ઉનાળાની શરૂઆતમાં પાણીના કૃત્રિમ પોઈન્ટ્સ ભરવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ વખતે વહેલી શરૂઆત કરવી પડી છે.
વન્યજીવો પાણીની શોધમાં જંગલની બહાર માનવ વસાહતો તરફ ન આવે અને તેમને કુદરતી રહેઠાણમાં જ પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગે ખાસ આયોજન કર્યું છે. ગીર અને ગિરનારમાં આવેલા 650થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ્સમાંથી મોટાભાગના પોઈન્ટ્સમાં પાણી ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
જંગલના દુર્ગમ વિસ્તારોમાં આવેલા પાણીના પોઈન્ટ્સ સુધી પાણી પહોંચાડવું વન વિભાગમાટે મોટો પડકાર છે. આ માટે સોલાર આધારિત ઓટોમેટિક પંપ, પવનચક્કી અને ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે. સોલાર પંપ સૂર્યપ્રકાશની મદદથી પાણીનો પુરવઠો કરે છે, જ્યારે પવનચક્કી પવનની ઊર્જાનો ઉપયોગ કરીને પાણી ખેંચે છે. જ્યાં આ બંને વ્યવસ્થાઓથી પાણી પહોંચાડવું શક્ય નથી ત્યાં ટ્રેક્ટર અને શ્રમિકોની મદદથી પાણી ભરવામાં આવી રહ્યું છે. આ રીતે જંગલના અંદરના વિસ્તારોમાં પણ વન્યજીવો માટે પાણીની ઉપલબ્ધતા જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સામાન્ય રીતે ગીરમાં આશરે 600 અને ગિરનારમાં 50થી 60 કૃત્રિમ પાણીના પોઈન્ટ્સ કાર્યરત રાખવામાં આવતા હતા. જોકે, આ વર્ષે વરસાદની અછતને કારણે પાણીની વ્યવસ્થામાં ફેરફાર કરીને વધુ પોઈન્ટ્સ કાર્યરત કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. જંગલના કુદરતી જળસ્રોતો સુકાઈ જતાં વન્યજીવોની સુરક્ષા અને પાણીની ઉપલબ્ધતા જાળવવી વન વિભાગ માટે મહત્વપૂર્ણ પડકાર બન્યો છે.
150થી વધુ જૂના પોઈન્ટ્સ ફરી શરૂ કરવાની તૈયારી
જળસંકટને ધ્યાનમાં રાખીને વન વિભાગે જૂના પાણીના પોઈન્ટ્સને ફરી કાર્યરત કરવા માટે સર્વે હાથ ધર્યો છે. ગીરના જંગલમાં અગાઉ બનાવવામાં આવેલા 150થી વધુ જૂના પોઈન્ટ્સને પુનઃજીવિત કરવાની તૈયારી ચાલી રહી છે. વન્યજીવોની અવરજવર, પાણીની જરૂરિયાત અને આસપાસની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા પોઈન્ટ્સ બનાવવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ગિરનારના પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં પાણીની અછતને પહોંચી વળવા આશરે 20 નવા કૃત્રિમ પાણીના પોઈન્ટ્સ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વૃદ્ધો અને બાળકોને પરિક્રમામાં ન લાવવા અપીલ
બીજી તરફ પાણીની અછતને પહોંચી વળવા માટે પરિક્રમાના માર્ગ પર બોર અને પાણીના પોઈન્ટ વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા બીજી તરફ જળ સંકટ વચ્ચે વન્યજીવો અને શ્રદ્ધાળુની સુરક્ષા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુનો ધસારો વધે તેવી શક્યતા હોવાથી તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પરિક્રમાના લાંબા અને મુશ્કેલ માર્ગને ધ્યાનમાં રાખીને બાળકો અને વૃદ્ધોને પરિક્રમામાં ન જોડાવા તંત્રએ અપીલ કરી છે.
લીલી પરિક્રમા રદ્દ કરવાની માંગ પર સંતોએ અસહમતિ દર્શાવી
લીલી પરિક્રમા રદ્દ કરવાની માંગ વચ્ચે સાધુ સંતોએ અસહમતિ દર્શાવી છે. મહેશગીરી બાપુએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સંજોગોમાં ગિરનારની લીલી પરિક્રમા યોજાશે જ. તેમના મતે ગમે તેવી મુશ્કેલી હોય પરંતુ સનાતન ધર્મ માટે શ્રદ્ધા સૌથી મોખરે છે.અગાઉના સમયમાં બોરની અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ પરિક્રમાનું આયોજન થતું બધું આવ્યું છે. હું એટલું જ કહીશ કે ગમે તેવી મુશ્કેલી હોય શ્રદ્ધા સૌથી મોખરે હોય છે એટલે કોઈ કચાશ આપણે ન રાખવી જોઈએ અને જુના જમાનામાં જ્યારે બોર કે કંઈ ન હતુ તો પણ યાત્રાઓ તો થતી જ હતી.


