ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
જેનો હરિ પર અખંડ પ્રેમ હોય એની પરીક્ષા લેવામાં તો પ્રભુ પણ નાપાસ થાય અને સંત પાસ થાય છે
ઉજ્જૈનની રામકથામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
રામનામ મેં લીન હૈ દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરૂ, જય જય જય જલારામ
ભસ્મ, ભિક્ષા, ભૂજંગ, ભૂત – આ મહાદેવનું સ્વસ્તિક છે
‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન-૨) ગઇકાલે મહાકાલ-મહાદેવની ઉજ્જૈન નગરીમાં પ્રવેશી હતી. કવિ કાલીદાસ અને ભતૃહરિ (ભરથરી)ની પરમ પાવન ધરતી પર સાંદિપની ઋષિનો આશ્રમ પણ છે. જયાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા ભણ્યા હતાં.
રામકથાનો સ્નેહમય સંવાદ આગળ ધપાવતાં પરમપ્રિય-પરમ સાધુ બાપુએ કહ્યું કે આ મહાકાલ મહાદેવની નગરી મને વિશેષ પ્રિય છે. આ ભૂમિ પર કેટકેટલા સ્વસ્તિક રચાયા છે. મહાદેવ પાસે ચાર વસ્તુઓ છે તે સ્વસ્તિક છે. ભસ્મ, ભિક્ષા, ભૂજંગ અને ભૂત એ મહાકાલનું સ્વસ્તિક છે. જો કે લૌકિક દ્રષ્ટિએ ઉપરથી આ ચારેય અમંગલ ગણાય-મનાય છે. પણ શંકરના દેહ પર એ મંગલમય ગણાય છે. મહાદેવ તો સ્મશાનની ભસ્મ શરીર પર લગાડે તો એ એનો શણગાર બની જાય છે. મહાદેવ તો ભિક્ષાધારી છે, ભિક્ષા માંગે છે. અમારે વિરપુર-જલારામ બાપાની વાત જાણીતી છે. વિશ્વ પ્રસિધ્ધ છે કે રોટલાની ભિક્ષા તો કોઇપણ આપે પણ રોટલો ઘડનાર વીરબાઇની ભિક્ષા જલારામ બાપા આપે, જેનો હરિપર અખંડ પ્રેમ હોય એની પરીક્ષા ન લેવાય અને હરિ પણ એની પરીક્ષા કરે તો એ નાપાસ થાય અને સંત પાસ થાય છે!
એક બીજું સ્વસ્તિક તલગાજરડાને દેખાય છે એ છે કે અહિં ક્ષિપ્રા (સીપ્રા) નદી તીર્થ છે. ત્રિભુવન તો છે જ, સ્વસ્તિકની ત્રીજી રેખા અહીં તંત્ર સાધના પણ છે. ભૈરવનાથ છે. જો કે તંત્ર વિશે મને વિશેષ રૂચિ નહીં પણ તંત્ર વિદ્યા છે અને સ્વસ્તિકની ચોથી રેખા કે આ ધર્મ સ્થાનનો વિકાસ સરસ થઇ રહ્યો છે એને માટે તંત્ર એટલે કે સરકારી તંત્ર અભિનંદન પાત્ર છે. તીર્થોના વિકાસ માટે તંત્રના શુભ આયામો કર્મશીલ રહે એ ખૂબ જરૂરી છે. તો આ ભૂમિ પર મને આ સ્વસ્તિકમય ચાર રેખાઓ જોવા મળે છે. અન્ય એક સ્વસ્તિક મને માનસમાં દ્રષ્ટિપાત કરૂ તો દેખાય છે એ રામ, ભરત, લક્ષ્મણ, શત્રદન એ પણ રામાયણ-માનસનું સ્વસ્તિક છે.
ઉજજૈનની રામકથામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા અને એમણે પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે,મોરારિબાપુજીની રામકથા આજે એક દિવસ યોજાઈ છે તો મને લાગે છે કે 2028માં ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભમેળો યોજવાનો છે એની શરૂઆત આજથી જ શરૂ થઈ ગઈ છે. બાપુએ પણ રાજપીઠ આજે વ્યાસપીઠ પાસે આવી છે એની પ્રસન્નતા પ્રગટ કરીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ વ્યાસપીઠ અને બાપુની ભાવ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતાં.
કથારત્નો
(૧) ઉજ્જૈનમાં રામકથા કરવા માટે આ જગ્યા એક મુસ્લિમે આપી છે
(૨) ૨૦૨૮માં ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભમેળો છે ત્યારે પણ પોથી લઇને આવીશ અને ‘માનસ મહાદેવ’ રામકથાનું ગાન કરીશું.
(3) સનાતન ધર્મના મૂળ અક્ષુણ-અખંડ રાખજો, બાપ!


