મધ્યમ વર્ગના જીવન નિર્વાહ અતિ મુશ્કિલ બનવાના એંધાણ
અલનીનોની અસર! રસોડાનું બજેટ હજુ બગડશે
વરસાદની ઘટથી ખરીફ પાકમાં નુકશાન અને રવિ વાવેતરમાં ઘટાડો થતા મોંઘવારી પર ગંભીર અસર : ખાદ્ય મોંઘવારી દરમાં સતત વધારો
દાળ, તેલ, ખાંડ અને દુધના ભાવ હજુ પણ દઝાડશે : સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સૂકા હવામાનનો સૌથી વધુ માર પડયો
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
2023-24માં અલ નીનો (El Niño) ના કારણે સર્જાયેલી મોંઘવારીની કટોકટી ફરી ન સર્જાય તે માટે પુરવઠાનું સમયસર સંચાલન કરવું અત્યંત જરૂરી છે. ભારતે છેલ્લે જુલાઈ 2023થી ડિસેમ્બર 2024 દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ભારે મોંઘવારીનો સામનો કર્યો હતો, ત્યારે મોંઘવારી દર વાર્ષિક સરેરાશ 8.5 ટકાથી ઉપર રહ્યો હતો. તેનું મુખ્ય કારણ જૂન 2023માં શરૂ થયેલો અને એપ્રિલ 2024 સુધી ચાલેલો ‘મજબૂત’ અલ નીનો (હવામાનની એક વિપરીત પરિસ્થિતિ) હતો.
હાલનો અલ નીનો, જેની સત્તાવાર પુષ્ટિ જૂન 2026માં થઈ હતી, તે અત્યારથી જ ‘ખૂબ જ મજબૂત’ (Very Strong) સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. વિશ્વની મોટાભાગની હવામાન એજન્સીઓનું અનુમાન છે કે જાન્યુઆરીથી માર્ચ 2027 સુધી તેની અસર ‘મજબૂતથી અતિ મજબૂત’ રહેશે અને એપ્રિલ-મે 2027 તરફ જતાં તે નબળો પડશે.
અલ નીનોની સીધી અસર દેશના વરસાદ પર જોવા મળી છે. આ વર્ષે નૈઋત્યના ચોમાસા (જૂન-સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં સરેરાશ કરતાં 12.6 ટકા ઓછો વરસાદ પડ્યો છે. ઓક્ટોબરથી શરૂ થયેલા ઈશાન ચોમાસા (પાછોતરા વરસાદ) માં પણ 16 નવેમ્બર સુધીમાં સામાન્ય કરતાં 33.6 ટકાની ઘટ નોંધાઈ છે. દક્ષિણના રાજ્યો, મહારાષ્ટ્ર, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં સૂકા હવામાનની સૌથી વધુ માર પડી છે. ખાદ્ય મોંઘવારી પર પણ તેની અસર દેખાવા લાગી છે. સરકારી ગ્રાહક ખાદ્ય ભાવ સૂચકાંક મુજબ મોંઘવારી દર સતત વધી રહ્યો છે, જે ઓક્ટોબરમાં 23 મહિનાની ટોચે પહોંચ્યો છે.
2023-24ની સરખામણીએ અત્યારે એક મોટી રાહત એ છે કે સરકારી ગોદામોમાં અનાજનો જથ્થો જરૂરી લઘુત્તમ બફર સ્ટોક કરતાં 3.3 ગણો વધારે છે. 1 ઓક્ટોબરની સ્થિતિએ ચોખાનો સ્ટોક 55.5 મિલિયન ટન (અત્યાર સુધીનો સૌથી વધુ) અને ઘઉંનો સ્ટોક 46.3 મિલિયન ટન (છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ) છે. આ ઉપરાંત સરકારી એજન્સીઓ પાસે આશરે 3.8 મિલિયન ટન કઠોળનો સ્ટોક પણ ઉપલબ્ધ છે.
2024-25અને 2025-26માં સળંગ બમ્પર પાક થવાને કારણે ભારત અને વૈશ્વિક સ્તરે અનાજનો સારો સ્ટોક જમા થયો છે. આ કારણે જ ઈરાન યુદ્ધ અને અલ નીનોના બેવડા આંચકા છતાં વૈશ્વિક ખાદ્ય ભાવ સૂચકાંક (FAO) ઓક્ટોબર 2026માં 133.9 પોઈન્ટ પર છે, જે 2022ના યુક્રેન યુદ્ધ સમયના 155-160ના સ્તર કરતાં ઘણો નીચે છે. જો પાક નિષ્ફળ જાય તો સરકાર આ સ્ટોક બજારમાં ઠાલવીને ભાવ નિયંત્રણમાં રાખી શકે છે.
આ રાહત લાંબો સમય ટકે તેમ લાગતું નથી કારણ કે ચોમાસુ (ખરીફ) પાક નબળો રહ્યો છે અને શિયાળુ (રવિ) પાકનું વાવેતર પણ પાછળ ચાલી રહ્યું છે: રવિ વાવેતરમાં મોટો ઘટાડો: જમીનમાં ભેજનો અભાવ અને જળાશયો-તળાવોમાં પાણીનું સ્તર નીચું હોવાથી 13 નવેમ્બર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ઘઉંના વાવેતરમાં 15.3%, ચણામાં 21.6% અને રાઈ-સરસવમાં 8.4% નો ઘટાડો નોંધાયો છે. અલ નીનોને કારણે શિયાળો ટૂંકો અને ગરમ રહેવાની શક્યતા છે, જે પાકની ઉપજને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
ખાદ્ય મોંઘવારી દરમાં સતત વધારો (2026)
જૂન – ૫5.3%
જુલાઈ – 5.5%
ઓગસ્ટ – 6.0%
સપ્ટેમ્બર – 7.7%
ઓક્ટોબર – 8.9% (23 મહિનાની ટોચે)
સરકારી ગોદામોમાં અનાજ અને કઠોળનો સ્ટોક (1 ઓક્ટોબર મુજબ)
ચોખા – 55.5 – અત્યાર સુધીનો સૌથી વધુ સ્ટોક
ઘઉં – 46.3 – છેલ્લા 5 વર્ષનો સૌથી વધુ સ્ટોક
કુલ કઠોળ – 3.8 ચણા (1.6), તુવેર (1.0), મગ-મસૂર-અડદ (1.2)
પાક ઓછો હોવાથી મંડીઓમાં ભાવ આસમાને
| પાક | મુખ્ય બજાર (મંડી) | ગત વર્ષનો ભાવ (રૂ.) | વર્તમાન ભાવ (રૂ.) |
| મકાઈ | વિજયપુરા (કર્ણાટક) | 1700 | 3139 |
| સોયાબીન | દેવાસ (મધ્યપ્રદેશ) | 4200 | 7000 |
| કપાસ | સિરસા (હરિયાણા) | 7500 | 9060 |
| બાજરી | ભુસાવર બૈર (રાજસ્થાન) | 1950 | 2600 |
| તુવેર (અરહર) | લાતુર (મહારાષ્ટ્ર) | 6700 | 10200 |
છૂટક ભાવમાં ઉછાળો
| ખાદ્ય ચીજ | એકમ | ગત વર્ષનો ભાવ (રૂ.) | વર્તમાન ભાવ (રૂ.) |
| તુવેર દાળ | પ્રતિ કિલો | 110 | 140 |
| ચણા દાળ | પ્રતિ કિલો | 85 | 100 |
| અડદ દાળ | પ્રતિ કિલો | 110 | 130 |
| ખાંડ | પ્રતિ કિલો | 45 | 60 |
| ડુંગળી | પ્રતિ કિલો | 25 | 50 |
| સીંગતેલ | પ્રતિ કિલો/લિટર | 200 | 214 |
| સરસવ તેલ | પ્રતિ કિલો/લિટર | 198 | 209 |
| સોયાબીન તેલ | પ્રતિ કિલો/લિટર | 143 | 165 |
| સનફ્લાવર તેલ | પ્રતિ કિલો/લિટર | 165 | 192 |
| પામ ઓઈલ | પ્રતિ કિલો/લિટર | 132 | 159 |
| ટોન્ડ દૂધ (3% ફેટ) (દિલ્હી-NCR) | પ્રતિ લિટર | 58 | 62 |
| ફૂલ ક્રીમ દૂધ (6% ફેટ) (દિલ્હી-NCR) | પ્રતિ લિટર | 70 | 76 |
સરકાર શું પગલાં લઈ શકે?
આ સંજોગોમાં મોદી સરકાર પાસે 2027માં મોંઘવારી કાબૂમાં રાખવા માટે આયાત જકાત (Import Duty) ઘટાડવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.
કઠોળ પર ડ્યૂટી ઘટાડો: હાલમાં તુવેર અને અડદ પર 0%, ચણા અને મસૂર પર 10% તેમજ પીળા વટાણા પર 30% આયાત જકાત છે, જે ઘટાડવી પડી શકે છે.
ખાદ્યતેલ પર ડ્યૂટી ઘટાડો: ક્રૂડ પામ અને સોયાબીન તેલ પરની 11% તથા સનફ્લાવર તેલ પરની 5.5% ડ્યૂટીમાં ઘટાડો કરવો પડી શકે છે.
ખાંડ અને કપાસ: કાચી ખાંડ અને કપાસની ડ્યૂટી-ફ્રી (જકાત મુક્ત) આયાતની સમયમર્યાદા 31 ડિસેમ્બર પછી પણ લંબાવવી પડી શકે છે.


