આવો બાળકો માટે પોઝિટિવ વિશ્વનું નિર્માણ કરીએ
દિવાળીનો તહેવાર ખુબ સરસ રીતે ઉજવ્યો અને નવુ વર્ષ આવી ગયુ. નવા વિક્રમ સંવંતમાં આપણે સૌ આનંદપૂર્વક, ઉલ્લાસપૂર્વક અને તંદુરસ્તી પૂર્વક આખું વર્ષ પસાર કરીએ એવી સૌને શુભેચ્છા.
વિક્રમ સંવંતનું નવું વર્ષ બદલાય ત્યારે આપણે સૌ આપણા વડીલોને મળી અને તેમના આશીર્વાદ લેતા હોઈએ છીએ. વડીલો પણ આપણને સુખી થવાના આશીર્વાદ આપતા હોય છે. આશીર્વાદ તો મહામૂલી મૂડી છે જ, પરંતુ આપણે આપણા બાળકો માટે એક નવા પોઝિટિવ વિશ્વનું નિર્માણ કરવા માટે શું કરવું જોઈએ?
સામાન્યતઃ બાળક નાનુ હોય ત્યારે આપણે એને અલગ અલગ લેબલથી સંબોધતા હોઈએ છીએ.
* તોફાની બાળક.
* જિદ્દી બાળક.
* ભણવામાં નબળુ બાળક.
* બાળક કંઈ ખાતુ નથી એ પ્રકારની વાત.
આવી તો ઘણી વાતો આપણે આપણા બાળકો માટે એકબીજા સાથે અને કોઈને મળીએ ત્યારે કરતા હોઈએ છીએ. બ્રહ્માંડ નો નિયમ છે, કે તમે બ્રહ્માંડમાં મોકલેલા પોઝિટીવ તરંગો તમને પોઝિટીવ સ્વરૂપે પાછા મળે છે અને નેગેટીવ તરંગો તમને નેગેટીવ સ્વરૂપે પાછા મળે છે. બ્રહ્માંડમાં મોકલેલો એક પોઝિટીવ કે એક નેગેટીવ તરંગ આપણી પાસે પાછો આવે ત્યારે અનેક ગણો વધારો થઈને પાછો મળે છે.
એક સાદુ ગણિત વિચારીએ, કે આપણે બેંકમાં પૈસા ડિપોઝિટ કર્યા છે, જે પૈસાનું આપણને વ્યાજ મળતુ હોય છે. જે રીતે પૈસા હોય એ પ્રમાણે આપણને વ્યાજ મળે છે. એ જ રીતે તમે બ્રહ્માંડમાં, તમારા બાળક માટે જેટલા પોઝિટીવ તરંગો મોકલશો એટલા જ વધુ પોઝિટીવ તરંગો બાળક તરફ પાછા આવશે.
ઉદાહરણથી સમજીએ. આકાશભાઈ અને સીમાબેનનો દીકરો અથર્વ. બાળકનો કોઈ દેખીતો અવગુણ, જેમ કે જીદ, એવુ તમે માતા પિતા જાણો છો. બાળક જિદ્દી શા માટે બન્યું, એ વિષે ફરી ક્યારેક વિસ્તાર પૂર્વક વાત કરીશુ. ‘અથર્વ જિદ્દી છે.’ એવુ અથર્વના પાડોશીઓ, સગા સંબંધીઓ, શિક્ષકો… બધા એ જાણ્યું. આ જ વાત એક કાન થી બીજા કાનમાં ગઈ. આ રીતે આ વાત બ્રહ્માંડમાં ફેલાણી, અને ફરી બ્રહ્માંડથી આ નેગેટીવ તરંગો અથર્વ તરફ પાછા ફર્યા. ધીમે ધીમે એવું બની શકે કે અથર્વ પણ સ્વીકારતો થઈ જાય કે ‘હું જિદ્દી છું.’
વાત થોડી ગહન છે, પરંતુ માતા-પિતા કાળજી રાખે તો આ નેગેટીવ તરંગો બ્રહ્માંડમાં ફેલાતા આપણે રોકી શકીએ કે ઓછા કરી શકીએ. બાળકની ભૂલ સુધારવાના પૂરતા પ્રયત્નો કરવા જ જોઈએ, સાથે સાથે બાળકને તેના સદ્દગુણોથી પણ પરિચિત કરાવતા રહેવું જોઈએ. સર્વપ્રથમ માતા પિતા અને ત્યારબાદ બાળક પોતાના ગુણોને જાણે તો જ સમાજ એ વસ્તુ સ્વીકારશે. બાળકના અવગુણ સુધારવાના પ્રયત્નો કરવા દરમિયાનમાં, બાળકને તેના સદ્દગુણો વિશે સતત માહિતગાર કરતા રહો. જેમકે,
* તારી બુદ્ધિ ક્ષમતા ખૂબ સારી છે.
* તને જમવામાં બધું ભાવે છે.
* તારું ડ્રોઈંગ ખૂબ સારું છે.
* તારા અક્ષર મોતીના દાણા જેવા છે.
બાળક સાથેની આ વાતચીત માત્ર વાતચીત નથી બની રહેતી. બાળકના મનમાં તેના સદ્દગુણો વિશેની સભાનતા આવતા આવતા, સમાજમાં પણ બાળક પ્રત્યેની સદ્દભાવના વિકસતી જાય છે. આ સદ્દભાવના જ બાળકના ભવિષ્યનું સુંદર અને સુચારુ નિર્માણ કરે છે. આવો નવા વર્ષે આ સંકલ્પ લઈએ કે આપણે આપણા બાળક માટે એક સરસ મજાના પોઝીટીવ વિશ્વનું નિર્માણ કરીએ.
ડો. ચારૂતા ગણાત્રા ઠકરાર
એમ. ડી. હોમિયોપેથી, કન્સલ્ટીંગ હોમિયોપેથ.
રાજકોટ.


