અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં લાખોની નકલી નોટો સાથે બે પરપ્રાંતિયો ઝડપાયા
ઊંઝાના વેપારીને અગાઉ ૪૦ લાખની નકલી નોટો ધાબડી હતી, પોલીસે તખ્તો ગોઠવી દિલ્હી-રાજસ્થાનના શખ્સોને દબોચી લીધા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદના ઘાટલોડિયા પોલીસે લાખોની નકલી નોટો સાથે બે આરોપીને ઝડપ્યા છે. નાગપુરથી આંગડિયામાં પૈસા મંગાવનાર વેપારીને અગાઉ 40 લાખની નકલી નોટો આપી હતી. વેપારી સાથે ઠગાઈ બાદ વેપારીએ પોલીસ સાથે મળી ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપમાં અમદાવાદમાં આંગડિયાના પૈસા મંગાવવામાં આવ્યા હતા. પૈસા લઈને આવનાર બે આરોપી નકલી નોટો સાથે ઝડપાયા છે. આરોપીઓ 5 હજારના કમિશન માટે નકલી નોટો આપતા હતા. આ કેસમાં અન્ય 3 આરોપીની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે ઘાટલોડિયા પોલીસે પાંચ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઊંઝાના બી.બી. ટ્રેડર્સના વેપારી રોહિતકુમાર પટેલ કે જેઓ જીરું અને વરિયાળીનો વેપાર કરે છે. નાગપુરથી વેપારના ₹ 40 લાખ મંગાવવા માટે તેમણે ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. 17 નવેમ્બરે બે શખસ બેંકની પટ્ટી મારેલા નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા. બંડલની બહાર બેંકની પટ્ટી હોવાથી વેપારીને ચલણ અસલી હોવાની ખાતરી થઈ હતી. બીજી તરફ નાગપુર ખાતે ₹40 લાખનું પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું હતું. પરંતુ થેલો ખોલતાં જ આખો ખેલ સામે આવ્યો હતો. અંદર એકપણ અસલી નોટ નહોતી. તમામ બંડલમાં ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલી નકલી નોટો હતી. વેપારી સાથે ₹ 40 લાખની છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો.
ઠગાઈ કર્યાં બાદ આરોપીઓ ફરી આવી જ રીતે પેમેન્ટ લેવા આવશે કે કેમ તે તપાસનો મુખ્ય મુદ્દો હતો. ત્યારે ફરી નાગપુરથી અમદાવાદમાં ફરિયાદીના પિતા નરેન્દ્રભાઈ પટેલને પેમેન્ટ મોકલવાનું નાટક રચવામાં આવ્યું હતું. આ વખતે ગેંગને લાગ્યું કે અગાઉની જેમ જ બંડલ પહોંચાડી કમિશન મેળવી શકાશે. 19 નવેમ્બરે બપોરે આરોપીઓએ વોટ્સએપ કોલ કરી પેમેન્ટ લઈ આવી ગયા હોવાની જાણ કરી હતી. આ ફોન જ પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવાની કડી બન્યો હતો.
ફરિયાદીએ તરત જ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. PSI એચ.ડી. જોષી અને તેમની ટીમે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા પર છટકું ગોઠવ્યું હતું. આરોપીઓ નોટોના બંડલ બતાવવા પહોંચ્યા ત્યારે પોલીસે તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. આમ, બીજી વખત એ જ ખેલ પાડવા આવેલા બંને શખસ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 5 હજારના કમિશન માટે ઠગાઈ કરનાર પોલીસે પકડેલા આરોપીની ઓળખ દિલ્હીના 23 વર્ષીય રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના 30 વર્ષીય માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા તરીકે થઈ.
આરોપીની પૂછપરછમાં ગેંગની કડીઓ એક પછી એક ખુલવા લાગી હતી. નોઈડામાં રહેતા ભાઈ ગજાનંદ શર્માએ ‘ધનરાજ’ નામના શખસ સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ધનરાજના કહેવાથી દિલ્હીના ખીચડીપુર સ્ટેશન પાસે ‘વરુણ’ નામના શખસે બંને આરોપીને નકલી નોટોના બંડલ આપ્યા હતા. આ બંડલ અમદાવાદ પહોંચાડવા બદલ બંનેને ₹ 5-5 હજાર કમિશન અને રેલવે ભાડું આપવાની લાલચ આપવામાં આવી હતી. એટલે કે, નકલી નોટો તૈયાર કરનારા કે સમગ્ર ખેલના સૂત્રધારો પાછળ રહીને અન્ય લોકોને બંડલ પહોંચાડવાની જવાબદારી સોંપતા હોવાની વિગતો સામે આવી છે.
પોલીસે કબજે કરેલા 17 બંડલ ખોલીને તપાસ કરતાં દરેકમાં 98 નોટ લેખે 1,666 નોટો મળી આવી હતી. જે તમામ નોટો ₹ 500ના દરની નકલી હતી. આ નોટોની અસલી ચલણ મુજબ કિંમત ₹ 8.33 લાખ થાય છે. બંડલની બહાર પીળા કાગળ પર ICICI બેંકનાં ખોટાં લેબલ અને સિક્કા મારવામાં આવ્યા હતા. જ્યારે અંદરની નોટો પર હિન્દીમાં ‘ભારતીય મનોરંજન બેંક – પાંચ સો કુપન’ લખેલું હતું. બહારથી અસલી બેંકના બંડલ જેવો દેખાવ ઊભો કરીને અંદર નકલી નોટો પધરાવવાની આ રીતથી ગેંગ વેપારીઓને નિશાન બનાવતી હતી.


