દારૂબંધીના ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરે હાજરી આપેલ વાસ્તુ પૂજનમાં રાત્રે જામી દારૂની મહેફિલ
અમદાવાદના સરદારનગરની નંદીગ્રામ સોસાયટી પાસે શિવ બંગ્લોઝમાં પાર્ટી થઇ હોવાનો અંદાજ : પોલીસ તપાસ શરૂ
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. સરદારનગરમાં નંદીગ્રામ સોસાયટી પાસે શિવ બંગ્લોઝમાં વાસ્તુપૂજનમાં રાત્રે દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે, ત્યારે આ વાસ્તુ પ્રસંગમાં નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી અને સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર કમલેશ પટેલ સહિતના નેતાઓ પણ હાજરી આપવા ગયા હતા. બપોરે વાસ્તુ પ્રસંગમાં ભાજપના નેતાઓ ગયા હોવાનું સામે આવ્યું છે અને રાત્રે આ પ્રકારે દારૂ પાર્ટી યોજવામાં આવી હતી.
સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ. ગોહિલે જણાવ્યું કે, આ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ દ્વારા સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી. આ જગ્યા પર પાર્ટી થઈ હોવા અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીએ જણાવ્યું કે, જે વીડિયો વાઇરલ થયા છે, તે મારા ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે સ્થાનિક પીઆઈ, ડીસીપી અને પોલીસ કમિશનરને તાત્કાલિક મોકલીને આ બાબતે એક્શન લેવા જાણ કરી દીધી હતી. સરદારનગર વોર્ડના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ત્યાં સોસાયટીમાં રહે છે. તેઓએ વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં આવવા માટે મને આમંત્રણ આપ્યું હતું. પરિવાર એક્સ આર્મીમેન હોવાથી અને વાસ્તુપૂજનનો ધાર્મિક પ્રસંગ હોવાથી હું ત્યાં બપોરે હાજરી આપવા માટે ગઈ હતી. જોકે, આ વીડિયો સામે આવતાની સાથે તાત્કાલિક ધોરણે તપાસ કરીને પગલાં લેવા માટે જાણ કરી દેવામાં આવી હતી.
વાઇરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક પ્રસંગમાં મોટી પવાલીમાં બરફ નાખીને લીંબુ કાપીને તેમાં નાખવામાં આવ્યા છે. ત્યારબાદ દારૂની બોટલો ઠાલવવામાં આવી હતી. દારૂ અને અન્ય કોલ્ડ્રિંક્સ ભેગું કરીને દારૂની મહેફિલની તૈયારી કરી હતી. સાથે જ વીડિયોમાં યુવક અને યુવતીઓ ભેગા મળીને ચિયર્સ કરીને પીતા હોવાનું જોવા મળે છે. એક મહિલા સહિત કેટલાક લોકો દારૂને ચાખતા હોવાનું પણ વીડિયોમાં જોવા મળ્યું.
જે પ્રકારે દારૂની મહેફિલ માણવા માટે દારૂ બનાવવામાં આવ્યો છે, તે આખા દારૂ બનાવવાની તૈયારીથી લઈ અને પીવા સુધીનો વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં અન્ય એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા હાથમાં બિયરની બોટલ લઈને નાચી રહી છે. ‘તેરે પ્યાર મેં તેરે પ્યાર મેં દિલ ચાહતા હે બસ ભીગે…’ ગીત ઉપર ડાન્સ કરી રહ્યા છે. ખુલ્લેઆમ બિયરની બોટલ લઈ અને લોકોની વચ્ચે મહિલા નાચી રહી છે. અમદાવાદમાં બેફામ દારૂની પાર્ટીઓ થતી હોવાના વીડિયો વાઇરલ થતા શહેરમાં આવી સ્થિતિને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.


