સુરતમાં કોન્સ્ટેબલને ચપ્પુ મારી ભાગેલા આરોપી પર એન્કાઉન્ટર
પીઆઇએ સ્વબચાવમાં ડાબા પગમાં ગોળી મારી દબોચી લીધો : ઘાયલ પોલીસ જવાનને સારવારમાં ખસેડાયો
અગ્ર ગુજરાત, સુરત
સુરત શહેરની લિંબાયત પોલીસે 6 મહિનામાં બીજીવાર મધરાતે હાફ એન્કાઉન્ટર કર્યું. શહેરના વરાછા, કતારગામ અને મહિધરપુરા જેવા વિસ્તારોમાં તરખાટ મચાવી લૂંટ ચલાવનાર ઝારખંડના રીઢા લૂંટારુ પરવેઝ મુશરફ અન્સારીએ પોલીસ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતાં લિંબાયત પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ચૌહાણે સ્વબચાવમાં તેના ડાબા પગમાં ગોળી મારી દબોચી લીધો. આ અગાઉ 11 મે, 2026ના રોજ પણ પોલીસે એક હત્યાના આરોપી પર ફાયરિંગ કરી તેને ઝડપી પાડ્યો હતો.
ગત રાત્રે પેટ્રોલિંગ સમયે પોલીસને જોઈને એક શખસ ભાગવા લાગ્યો હતો. શંકા જતાં પોલીસ કર્મચારી અનિલકુમાર અમરસિંહ તેને પકડવા પાછળ દોડ્યા હતા. આ દરમિયાન શખસે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી અનિલકુમારને કમરના ભાગે મારી દીધું હતું. ત્યારે આરોપીને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી, પરંતુ માન્યો નહીં એટલે, પહેલા એક રાઉન્ડ હવામાં અને તેમ છતાં તે તાબે ન થતાં બીજો રાઉન્ડ તેના પગ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
શહેરમાં ગુનાખોરી ડામવા લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ PI ડી.ડી. ચૌહાણની આગેવાનીમાં રાત્રિના આશરે 3 વાગ્યાના અરસામાં સરકારી વાનમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસની ટીમ જ્યારે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અંધારામાં ઉભેલો એક શંકાસ્પદ શખસ પોલીસની ગાડી જોઈ અચાનક ગભરાઈ ગયો હતો અને ગ્રાઉન્ડ તરફ દોટ મૂકી હતી. આ શખસની શંકાસ્પદ હિલચાલ જોઈને પીઆઈ ડી.ડી. ચૌહાણ અને સ્ટાફના જવાનોએ તાત્કાલિક સરકારી વાનમાંથી નીચે ઉતરી અંધારામાં આ શખસનો પીછો શરૂ કર્યો હતો અને તેને ચારેબાજુથી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ ટીમ જ્યારે દોડીને આરોપીની એકદમ નજીક પહોંચી ગઈ ત્યારે સાથે રહેલા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહે હિંમત દાખવી આરોપીને દબોચી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીએ પોતાની કમરમાં છુપાવેલું ચપ્પુ કાઢી કોન્સ્ટેબલ અનિલકુમારના પેટના ભાગે હુલાવી દીધું હતું, જેના કારણે કોન્સ્ટેબલ લોહીલુહાણ થઈ ગયા હતા. પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા પીઆઈ ડી.ડી. ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી અને તેને ડરાવવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. તેમ છતાં આરોપી સરેન્ડર થવાને બદલે ઉશ્કેરાઈને ખુલ્લા ચપ્પુ સાથે પીઆઈ પર પણ જીવલેણ હુમલો કરવા ધસી આવ્યો હતો. આખરે, પોતાનો અને સ્ટાફનો જીવ બચાવવા પીઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કરીને આરોપીના પગના ભાગે ગોળી ધરબી દીધી હતી.
આ દરમિયાન આરોપીના ડાબા પગમાં ગોળી વાગતા તે સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો, જે બાદ પોલીસે તેને કાબૂમાં લઈ લીધો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. આરોપીને કડક પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે રિક્ષામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે આરોપીના હુમલામાં ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ અનિલકુમારની લિંબાયતની ગેલેક્સી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


