અલનીનોની અસર! ગુજરાતમાં અત્યાર સુધીમાં પ.૪૫ ટકા શિયાળુ વાવેતર
ઘંઉ, મકાન અને તેલીબિયાના પાકોમાં મોટો ઘટાડો : ખેડૂતો ચિંતામાં
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં ‘અલનીનો’ની અસરને કારણે શિયાળુ પાકના વાવેતર પર સીધી અને માઠી અસર જોવા મળી રહી છે. રાજ્યના કૃષિ વિભાગના આંકડાઓ મુજબ, ચાલુ સિઝનમાં શિયાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5.45% જેટલું જ વાવેતર નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ ઘઉં, મકાઈ અને તેલીબિયાં જેવા મુખ્ય પાકોના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
રાજ્યમાં ધાન્ય પાકોના વાવેતરની ગતિ અત્યંત ધીમી રહી છે અને અત્યાર સુધીમાં ધાન્ય પાકોમાં કુલ વાવેતર માત્ર 2.44% જ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ મુખ્ય ધાન્ય પાકોની સ્થિતિ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 26,190 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયે 1,06,980 હેક્ટર વિસ્તારમાં થયું હતું. મકાઈનું વાવેતર 7,691 હેક્ટરમાં નોંધાયું છે, જે ગત વર્ષે 27,546 હેક્ટર વિસ્તારમાં હતું. રાજ્યમાં જુવારનું વાવેતર 1,450 હેક્ટર વિસ્તારમાં થયું છે.
ધાન્ય પાકો ઉપરાંત કઠોળ, તેલીબિયાં અને રોકડિયા પાકોના વાવેતરના આંકડા નીચે મુજબ નોંધાયા છે. તેલીબિયાંનું વાવેતર 41,594 હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે 86,853 હેક્ટર વિસ્તારમાં થયું હતું.રાજ્યમાં ચણાનું વાવેતર 60,269 હેક્ટરમાં અને અન્ય કઠોળનું વાવેતર 1,847 હેક્ટરમાં નોંધાયું છે. બટાકા 24,448 હેક્ટર, શાકભાજી 11,019 હેક્ટર, શેરડી 10,057 હેક્ટર, તમાકુ 10,056 હેક્ટર અને ડુંગળીનું વાવેતર 6,432 હેક્ટર વિસ્તારમાં થયું છે.અલનીનોની અસર અને વાતાવરણમાં ફેરફારને કારણે શિયાળુ પાકનું વાવેતર ધીમું પડતાં ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોમાં ચિંતા જોવા મળી રહી છે.


