ધ્રાંગધ્રાના ભગવતધામ ગુરુકુળ નજીક નાળામાંથી આધેડનો મૃતદેહ મળ્યો
આઈ.કે. જાડેજા રોડ પર ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા; મૃતકની ઓળખ અને મોતનું રહસ્ય ઘેરાયું
અગ્ર ગુજરાત, ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા શહેરના આઈ.કે. જાડેજા મુખ્ય માર્ગ પર આવેલા ભગવતધામ ગુરુકુળના ગેટ પાસેના નાળામાંથી એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ અંગે જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટોળેટોળાં એકત્રિત થયા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ મૃતક આશરે 45થી 50 વર્ષની ઉંમરના આધેડ હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે મૃતકે લાલ રંગનું અને બ્લુ પટ્ટાવાળું ટી-શર્ટ પહેરેલું હતું. જોકે, હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. મૃતક ક્યાંનો રહેવાસી છે, તેનું નામ શું છે અને કયા સંજોગોમાં તે નાળા સુધી પહોંચ્યા તથા તેમનું મોત કઈ રીતે થયું તે અંગેના અનેક સવાલો હાલ વણઉકેલાયેલા છે.
નાળામાંથી મૃતદેહ મળી આવવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં વિવિધ તર્ક-વિતર્ક પણ વહેતા થયા હતા. બીજી તરફ, પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના અકસ્માત છે કે અન્ય કોઈ કારણોસર મૃત્યુ થયું છે, તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત બહાર આવે તેવી શક્યતા છે.


