સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાના પ્રથમ દિવસે 1.53 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
પ્રહર વોરા અને કલ્યાણી કોઠારકરના સૌમ્ય સંગીત તેમજ રાજ ગઢવીના લોકસાહિત્યિક ગીતોએ જનમેદનીને મંત્રમુગ્ધ કરી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
સોમનાથ ટ્રસ્ટ આયોજીત પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળા-2026નો પ્રથમ દિવસ શ્રદ્ધા, સંસ્કૃતિ, લોકસંગીત અને લોકઉત્સાહના અદભુત સંગમ સાથે સંપન્ન થયો હતો. મેળાના પ્રથમ જ દિવસે 1.53 લાખથી વધુ સહેલાણીઓએ મેળાની મુલાકાત લઈ વિવિધ આકર્ષણોનો આનંદ માણ્યો હતો. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની ઉપસ્થિતિથી સમગ્ર મેળા પરિસર લોકમેળાના રંગે રંગાયું હતું.
મેળાના પ્રથમ દિવસની સાંજે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાણીતા ગાયકો પ્રહર વોરા અને કલ્યાણી કોઠારકરે પોતાના સૌમ્ય અને સુમધુર સંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે લોકસાહિત્યકાર અને લોકગાયક રાજ ગઢવીએ પોતાના આગવા અંદાજમાં લોકસાહિત્યિક ગીતોની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત જનમેદનીને ડોલાવી હતી. ગુજરાતી લોકસંસ્કૃતિ અને સંગીતની સુમધુર રજૂઆતોને શ્રોતાઓનો ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે પ્રભાસ તીર્થમાં યોજાઈ રહેલો આ મેળો ધાર્મિક આસ્થા સાથે લોકસંસ્કૃતિ, પરંપરા, મનોરંજન અને સામાજિક સમન્વયનું વિશિષ્ટ કેન્દ્ર બની રહ્યો છે. મેળામાં વિવિધ હસ્તકલા અને ખાણીપીણીના સ્ટોલ્સ, મનોરંજનના સાધનો તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળામાં આવતા સહેલાણીઓની સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા અને સુવ્યવસ્થિત આયોજન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે CCTV કેમેરા, વોચ ટાવર, કંટ્રોલ રૂમ, જાહેર ઉદ્ઘોષણા વ્યવસ્થા તેમજ અગ્નિશમન અને ઇમરજન્સી સેવાઓ સહિતની વ્યવસ્થાઓ કાર્યરત રાખવામાં આવી છે. પ્રથમ દિવસના ઉત્સાહભર્યા પ્રતિસાદ સાથે આગામી દિવસોમાં પણ કાર્તિકી પૂર્ણિમા મેળો ધાર્મિક, સાંસ્કૃતિક અને લોકઉત્સવની વિવિધ રંગતોથી સહેલાણીઓને આનંદિત કરશે.


