સોખડા ચોકડીથી માલિયાસણનો શખ્સ 10.27 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો
મોરબીના નરેન્દ્ર રામોલીયા પાસેથી જથ્થો લાવી રાજકોટમાં વેચવાનો હતો, સપ્લાયરની શોધખોળ શરૂ, SOG ની કામગીરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં નશાના કારોબારને ડામવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એસઓજીને વધુ એક સફળતા મળી છે. સોખડા ચોકડી પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે માલીયાસણના 25 વર્ષીય યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી 10.27 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં તે મોરબીના એક શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી રાજકોટમાં છૂટક વેચાણ કરવા આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ડ્રગ્સના સપ્લાયરને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને માદક પદાર્થોના ખરીદ-વેચાણ પર અંકુશ આવે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા SAY NO TO DRUGS મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને એસઓજી પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ દારૂ અને મારામારીના ગુનામાં પકડાઈ ચૂકેલો વિવેક દિનેશ સોનરાત ઉર્ફે બારોટ કાળા રંગના એક્ટિવા પર સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ પસાર થવાનો છે અને તેની પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે સોખડા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળું એક્ટિવા નંબર GJ-36-AS-9977 આવતા પોલીસે તેને અટકાવી ચાલકની તપાસ કરી હતી. એક્ટિવા પર સવાર માલીયાસણ ગામના વિવેક ઉર્ફે બારોટ દિનેશ સોનરાત (ઉ.વ.25) પાસેથી 10.27 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પોલીસે રૂ.30,810ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત મોબાઈલ ફોન અને એક્ટિવા સહિત કુલ રૂ.65,810નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી.
પોલીસની પૂછપરછમાં વિવેકે આ ડ્રગ્સનો જથ્થો મોરબીના નરેન્દ્ર પાચા રામોલીયા પાસેથી વેચાણ માટે મેળવ્યો હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જેથી પોલીસે નરેન્દ્ર રામોલીયા (રહે. સિરામિક સિટી, મોરબી)ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, ઝડપાયેલો પેડલર રાજકોટમાં કોને-કોને ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાનો હતો અને તેના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ડ્રગ્સના સપ્લાયથી લઈને ગ્રાહકો સુધીની કડી ખુલવાની શક્યતા છે.


