ગુજરાતમાં અમલી બનશે વોટર ક્રેડિટ યોજના
ખેતરમાં પાણીનો સંગ્રહ કરો, સરકાર કમાણીનો રસ્તો ખોલશે
વરસાદી પાણી બચાવનારને મળશે વોટર ક્રેડિટ; 1,000 લિટર પાણી સામે એક યુનિટની ગણતરી, વેચાણથી ખેડૂતોને વધારાની આવક
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં પાણીની અછત અને ભૂગર્ભજળના ઘટતા સ્તરની સમસ્યાનો સામનો કરવા હવે રાજ્ય સરકાર જળસંરક્ષણને આર્થિક પ્રોત્સાહન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. રાજ્યમાં હવે ‘વોટર ક્રેડિટ’ યોજના અમલી બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ વરસાદી પાણીનો સંગ્રહ કરનારા, ભૂગર્ભજળનું રિચાર્જ કરનારા અને જળસંરક્ષણની કામગીરી હાથ ધરનારા ખેડૂતો, વ્યક્તિઓ તેમજ સંસ્થાઓને તેમના પ્રયાસોના બદલામાં વોટર ક્રેડિટ આપવામાં આવશે. આ ક્રેડિટ વેચીને તેઓ વધારાની આવક પણ મેળવી શકશે. આમ, અત્યાર સુધી પાણી બચાવવાની કામગીરીને માત્ર સામાજિક જવાબદારી માનવામાં આવતી હતી, તે હવે આર્થિક કમાણીનું માધ્યમ પણ બની શકશે.
યોજનાની સૌથી મહત્વની બાબત એ છે કે, 1,000 લિટર પાણીના સંગ્રહ અથવા બચત સામે એક વોટર ક્રેડિટ આપવામાં આવશે. આ ક્રેડિટ ખરીદવા માટે કંપનીઓ અને અન્ય સંસ્થાઓ આગળ આવી શકશે. જળસંરક્ષણના પ્રોજેક્ટનું મૂલ્યાંકન અને સ્વતંત્ર ચકાસણી કર્યા બાદ ક્રેડિટ આપવામાં આવશે. ત્યારબાદ તેના માલિકો આ ક્રેડિટ વેચી શકશે અને તેમાંથી મળતી આવક સીધી પ્રોજેક્ટના માલિકોને મળશે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ, ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવું અને જળસ્ત્રોતોનું સંરક્ષણ કરવાનો છે. ખાસ કરીને ખેડૂતો માટે આ યોજના ઉપયોગી સાબિત થઈ શકે છે. ખેતરમાં ખેતતલાવડી બનાવવી, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, રિચાર્જ કૂવા અને શોષખાડા બનાવવા જેવી કામગીરીથી માત્ર સિંચાઈ માટે પાણી જ ઉપલબ્ધ નહીં બને, પરંતુ આ કામગીરીના બદલામાં આર્થિક લાભ પણ મળી શકશે.
બનાસકાંઠા જિલ્લામાં હાથ ધરવામાં આવેલા પાયલોટ અભ્યાસમાં આ યોજનાની સંભાવનાઓ સામે આવી છે. ડીસા, ધાનેરા અને લાખણી તાલુકાનાં 35 ગામોમાં આવેલી 109 ખેતતલાવડીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામ તલાવડીઓની વરસાદી પાણી સંગ્રહવાની કુલ ક્ષમતા અંદાજે 400 મિલિયન લિટર એટલે કે 40 કરોડ લિટર જેટલી છે. તેમાંથી 70 ટકા તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન લાઇનિંગ જ્યારે 30 ટકામાં માટી-સિમેન્ટનું લાઇનિંગ કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાથી વરસાદી પાણીનો સંગ્રહ થવાની સાથે ભૂગર્ભજળ રિચાર્જ કરવામાં પણ મદદ મળી હતી.
પ્રોજેક્ટના અહેવાલ મુજબ, વર્ષ 2021-22 દરમિયાન આ પ્રોજેક્ટ મારફતે કુલ 1,30,678 રેઇનવોટર ઓફસેટ યુનિટ્સ (RoUs) જનરેટ થયા હતા. યુનિવર્સલ વોટર રજિસ્ટ્રીના માપદંડ મુજબ એક RoU એટલે 1,000 લિટર બચાવેલું પાણી. એટલે કે, પાણીના સંગ્રહ અને સંરક્ષણને હવે માપી શકાય તેવી આર્થિક સંપત્તિમાં ફેરવવાની દિશામાં આ અભ્યાસ મહત્વપૂર્ણ સાબિત થયો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વર્ષ 2023માં વોટર ક્રેડિટ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું, પરંતુ અત્યાર સુધી આ ક્ષેત્રમાં મુખ્યત્વે પાયલોટ પ્રોજેક્ટ જ હાથ ધરવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં આ વ્યવસ્થાને અમલમાં મૂકવાની તૈયારીથી જળસંરક્ષણની પ્રવૃત્તિઓને નવી દિશા મળી શકે છે. જો યોજના યોગ્ય રીતે અમલી બને અને ક્રેડિટ માટે પારદર્શક બજાર ઊભું થાય તો નાના ખેડૂતો પણ જળસંરક્ષણના કામમાં રોકાણ કરવા પ્રેરાશે. પરિણામે પાણીની બચત, ખેતીની સુરક્ષા અને ખેડૂતોની આવક એમ ત્રણેય મોરચે લાભ મળવાની શક્યતા છે.
પાણી બચાવવું હવે બનશે કમાણીનું સાધન
વોટર ક્રેડિટ યોજના હેઠળ પાણી બચાવનારને તેના પ્રયાસોનું આર્થિક વળતર મળી શકશે. 1,000 લિટર પાણીની બચત સામે એક ક્રેડિટ મળવાની વ્યવસ્થા છે. ખેડૂતો આ ક્રેડિટ કંપનીઓ કે અન્ય ખરીદદારોને વેચીને વધારાની આવક મેળવી શકશે. એટલે પાણી બચાવવું હવે માત્ર સામાજિક જવાબદારી નહીં, પરંતુ આવકનું નવું સાધન પણ બનશે.
ખેતતલાવડી બનાવવામાં વધશે ખેડૂતોનો રસ
ખેતરમાં ખેતતલાવડી બનાવવી એ ખેડૂતો માટે ખર્ચાળ કામગીરી બની શકે છે. પરંતુ વોટર ક્રેડિટથી આ ખર્ચનો કેટલોક હિસ્સો પાછો મેળવવાની તક ઊભી થશે. વરસાદી પાણીનો સંગ્રહ કરીને જરૂરિયાતના સમયે પાકને પાણી આપી શકાશે. સાથે જ ખેતતલાવડીના કારણે મળતા વોટર ક્રેડિટથી ખેડૂતોને વધારાનો આર્થિક લાભ મળી શકશે.
ભૂગર્ભજળનું સ્તર સુધારવામાં મદદ મળશે
વરસાદી પાણી સીધું નદી કે દરિયામાં વહી જવાને બદલે જમીનમાં ઉતારવામાં આવે તો ભૂગર્ભજળના સ્તરમાં સુધારો થઈ શકે છે. રિચાર્જ કૂવા, શોષખાડા અને અન્ય જળસંરક્ષણનાં માળખાં ઊભાં કરનારને પ્રોત્સાહન મળવાથી આવા પ્રોજેક્ટ્સની સંખ્યા વધી શકે છે. લાંબા ગાળે કૂવા અને બોરવેલમાં પાણીની ઉપલબ્ધતા સુધારવાની સંભાવના ઊભી થશે.
કંપનીઓ માટે પણ જવાબદારી નિભાવવાની તક
ઉદ્યોગો અને મોટી કંપનીઓને પણ પાણીની જરૂરિયાત મોટા પ્રમાણમાં રહે છે. વોટર ક્રેડિટ વ્યવસ્થા હેઠળ આવી કંપનીઓ જળસંરક્ષણના પ્રોજેક્ટ્સ દ્વારા જનરેટ થયેલી ક્રેડિટ ખરીદી શકશે. તેના કારણે જળસંરક્ષણના કામોમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ વધી શકે છે. ખેડૂતો અને કંપનીઓ વચ્ચે પાણી બચાવવાના પ્રયાસોને જોડતી નવી આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકે છે.
ભવિષ્યમાં પાણીની સુરક્ષા માટે નવો રસ્તો
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા અને ભૂગર્ભજળ પર વધતી નિર્ભરતા પડકારરૂપ છે. વોટર ક્રેડિટ યોજના યોગ્ય રીતે અમલી બને તો ગામેગામ વરસાદી પાણીના સંગ્રહ અને રિચાર્જની પ્રવૃત્તિઓને વેગ મળી શકે છે. જોકે ક્રેડિટની ગણતરી, સ્વતંત્ર ચકાસણી, ખરીદદારોની ઉપલબ્ધતા અને યોગ્ય ભાવ નક્કી કરવા જેવી બાબતો નિર્ણાયક રહેશે. આ વ્યવસ્થા સફળ થાય તો જળસંરક્ષણને લોકભાગીદારી સાથે જોડતું ગુજરાતનું મોડેલ બની શકે છે.


