રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ પર AMR સામે મહાપાલિકાની જનજાગૃતિ રેલી
“એક સ્વાસ્થ્ય, એક પગલું: અત્યારે જ AMR ને અટકાવો” થીમ સાથે નાગરિકોને સંદેશ ; આરોગ્ય અધિકારીઓ, તબીબો અને નર્સિંગના વિદ્યાર્થીઓની બહોળી ઉપસ્થિતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકાર દ્વારા દર વર્ષે ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન ઉજવાતા ‘વર્લ્ડ AMR અવેરનેસ વીક’ અંતર્ગત વર્ષ ૨૦૨૬ની થીમ “One Health, One Action: Prevent AMR Now”ને સાર્થક કરવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે વિશાળ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. એન્ટિબાયોટિક અને અન્ય એન્ટિમાઇક્રોબાયલ દવાઓના અયોગ્ય અને વધુ પડતા ઉપયોગથી સર્જાતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સના ગંભીર જોખમો પ્રત્યે નાગરિકોને જાગૃત કરવાના મુખ્ય હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
રેસકોર્સ રિંગ રોડ પર યોજાયેલી આ રેલીમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત પી.ડી.યુ. સુપ્રીટેન્ડન્ટ, આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારી, પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડીન અને સ્ટાફ, એમ.પી.એચ.ડબલ્યુ., આરોગ્ય શાખાના પેરામેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
રેલી દરમિયાન સહભાગીઓએ વિવિધ પ્લેકાર્ડ્સ અને બેનરો મારફતે “ડોક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક ન લો”, “દવાનો પૂરો કોર્સ પૂર્ણ કરો” અને “વધેલી દવાઓ બીજાને ન આપો” જેવા મહત્વપૂર્ણ સંદેશાઓ દ્વારા શહેરીજનોનું ધ્યાન દોર્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે સામાન્ય શરદી-ઉધરસ કે વાયરલ ઇન્ફેક્શનમાં જાતે મેડિકલ સ્ટોર પરથી એન્ટિબાયોટિક દવાઓ લેવાનું ટાળવું જોઈએ, કારણ કે દવાઓનો બિનજરૂરી ઉપયોગ ભવિષ્યમાં ગંભીર ચેપ સામે તેને બિનઅસરકારક બનાવી શકે છે. નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે AMR અવેરનેસ અંગેના સેમિનાર અને માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવશે.


