લોખંડના વાલના પાર્સલની આડમાં છુપાવેલો રૂ.18 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
લીંબડી-રાજકોટ હાઇવે પર ઢેઢુકી ટોલનાકા પાસેથી રાજકોટ રેન્જની ટીમે ટ્રક ઝડપી પાડ્યો : 10,608 બોટલ દારૂ સાથે જુનાગઢના બે શખ્સની ધરપકડ, રૂ.1.22 કરોડનો મુદ્દામાલ કબજે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવો કીમિયો અજમાવ્યો હતો. લોખંડના વાલનાં પાર્સલની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડીને પસાર થઈ રહેલા અશોક લેલન ટ્રકને રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસે ઢેઢુકી ટોલનાકા પરથી ઝડપી પાડ્યો હતો. ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 10,608 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક સહિત રૂ.28.43 લાખનો મુદ્દામાલ કબજે કરી જુનાગઢના બે શખ્સની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર સહિતના અન્ય આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ સહિતની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન અશોક લેલન ટ્રક નંબર GJ-03-BW-1571માં અન્ય રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લીંબડી-રાજકોટ હાઇવે પરથી પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી મળતાં ઢેઢુકી ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીવાળો ટ્રક આવતાં તેને રોકી તપાસ કરતાં લોખંડના વાલનાં પાર્સલની આડમાં છુપાવેલો અલગ-અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે દારૂની 10,608 બોટલ, જેની કિંમત રૂ.18,03,360 થાય છે, તે ઉપરાંત ટ્રક, મોબાઇલ ફોન અને વાહનના કાગળો સહિત કુલ રૂ.28,43,360નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થળ પરથી જુનાગઢના મટારી મંઝીલ, ખામધ્રોળ રોડના જાવીદ જાકીરહુશેન મટારી અને રામદેવપરાના હુસેની ચોકના આરીફ હુસેનભાઈ સમાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રકમાં ભરેલા લોખંડના વાલનાં 41 બોક્સની કિંમત રૂ.94,37,721 આંકવામાં આવી છે. આ બોક્સ પણ અલગથી કબજે કરી બી.એન.એસ.એસ. કલમ 106(1) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આમ, દારૂ, ટ્રક અને લોખંડના વાલ સહિત કુલ રૂ.1,22,81,081નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો મંગાવનાર જુનાગઢનો તોસીફ તથા માલ ભરી આપનાર શખ્સ સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


