દિવાળી વેકેશન પૂર્ણ: શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ઉમંગભેર શુભારંભ
૨૧ દિવસના વેકેશન બાદ શાળા સંકુલો વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૨૫૬થી વધુ કોલેજોમાં નવું સત્ર શરૂ, ડિસેમ્બરમાં સ્નાતક કક્ષાએ પરીક્ષાઓ યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
છેલ્લા ૨૧ દિવસથી સુમસામ ભાસતા શાળા સંકુલો આજ સવારથી જ વિદ્યાર્થીઓના કિલ્લોલ અને ચહલપહલથી ફરી ગુંજી ઉઠ્યા છે. દિવાળી વેકેશનની રજાઓ માણ્યા બાદ આજથી શાળા અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહ અને ઉમંગ સાથે શુભારંભ થયો છે. સવારના સમયે શહેરના રાજમાર્ગો પર પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે અવર-જવર જોવા મળી હતી.
ગુજરાતની ધોરણ ૩ થી ૮ની પ્રાથમિક શાળાઓ તેમજ ધોરણ ૯ થી ૧૨ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્રની પરીક્ષા બાદ તા.૫ નવેમ્બરથી તા.૨૫ નવેમ્બર દરમિયાન ૨૧ દિવસનું દિવાળી વેકેશન પડ્યું હતું. વેકેશન પૂર્ણ થયા બાદ આજ તા.૨૬ નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. આ બીજા શૈક્ષણિક સત્રમાં કુલ ૧૨૪ દિવસ શિક્ષણકાર્ય રહેશે, જ્યારે તા.૨-૫-૨૦૨૭ થી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થશે.
રાજ્યની શાળાઓની સાથોસાથ આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૨૫૬થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પણ બીજા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સ્નાતક કક્ષાએ પણ તા.૫ થી ૨૫ નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન હતું. આગામી ડિસેમ્બર માસમાં બીજા સત્ર દરમિયાન વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓનો પ્રારંભ થશે.


