વેકેશન પૂર્ણ, સ્કૂલ ખુલતાજ શિસ્તનો કોયડો ગુંજ્યો
399 શાળા-કોલેજને ફાયર સેફ્ટીની નોટિસ બાદ આજથી તંત્રનું મેગા ચેકિંગ
ફાયર NOC વગર કે સાધનો કાર્યરત ન હોય તેવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરાશે: 87 શૈક્ષણિક સંકુલ હિટ લિસ્ટમાં
રાજકોટની 8 ફાયર સ્ટેશનની ટીમો મેદાનમાં ઉતરી; નિયમોનું પાલન નહીં કરનાર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવાની ચીમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીના મુદ્દે મહાનગરપાલિકાનો ફાયર વિભાગ હવે એક્શન મોડમાં આવ્યો છે. શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ફાયર સેફ્ટી અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શહેરની 399 જેટલી શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસીસના સંચાલકોને ફાયર સેફ્ટી સંબંધિત ખામીઓ અને ફાયર NOCના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, આ તમામ નોટિસ એક જ દિવસમાં આપવામાં આવી નથી, પરંતુ છેલ્લા સાતથી આઠ મહિનાના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા નિયમિત ચેકિંગમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે નોટિસની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નિયમોનું પાલન ન કરનાર શૈક્ષણિક સંકુલો સામે તવાઈ બોલાવવાની તૈયારી કરવામાં આવી છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં નોટિસ મેળવનાર 399 શૈક્ષણિક એકમોમાંથી 312 એકમોએ જરૂરી સુધારાત્મક કામગીરી પૂર્ણ કરી નિયમો મુજબની વ્યવસ્થા કરી લીધી છે. બીજી તરફ 87 શાળા-કોલેજો એવી છે જ્યાં નોટિસની મુદત પૂર્ણ થયા બાદ પણ તપાસ અને ચકાસણીની જરૂરિયાત ઊભી થઈ છે. આ સંસ્થાઓને ફાયર વિભાગે હિટ લિસ્ટમાં રાખી છે. ખાસ કરીને ફાયર NOC રિન્યૂ ન કરાવવી, ફાયર સેફ્ટીનાં સાધનો ઉપલબ્ધ ન હોવાં, સાધનો ક્ષતિગ્રસ્ત હોવાં અથવા લાંબા સમયથી નિભાવણીના અભાવે બંધ હાલતમાં હોવાં જેવા મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે.
શાળાઓ શરૂ થવાના પ્રથમ દિવસે જ ફાયર વિભાગની ટીમોએ મેદાનમાં ઉતરીને ચેકિંગ હાથ ધર્યું હતું. વોર્ડ નંબર 17માં આવેલી શ્રી જ્ઞાનધારા વિદ્યામંદિર ખાતેથી તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અહીં ફાયર સેફ્ટીનાં સાધનોની ઉપલબ્ધતા અને તે કાર્યરત છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરની અન્ય શાળાઓમાં પણ તબક્કાવાર તપાસ કરવામાં આવશે. શહેરનાં આઠ ફાયર સ્ટેશનની ટીમોને ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી એકસાથે અલગ-અલગ વિસ્તારોમાં શૈક્ષણિક સંકુલોની સ્થિતિ જાણી શકાય.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, શહેરમાં શાળા-કોલેજો ઉપરાંત કોમર્શિયલ અને રહેણાક સહિતની વિવિધ પ્રકારની ઇમારતોને છેલ્લા સાત મહિનામાં 2,300થી વધુ નોટિસ આપવામાં આવી છે. જે ઇમારતોમાં ફાયર સેફ્ટીનાં સાધનો અપૂરતા છે અથવા તો ઉપલબ્ધ સાધનો યોગ્ય રીતે કાર્યરત નથી ત્યાં સુધારણા માટે સૂચના આપવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફ્ટીનાં તમામ સાધનો સંપૂર્ણપણે કાર્યરત સ્થિતિમાં રાખવા ફરજિયાત છે. નિયમોનું પાલન ન કરનાર અને જરૂરી ફાયર NOC વગર કાર્યરત શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિ બંધ કરાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ મામલે શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી શાળાઓ અંગે જરૂરી પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ ફાયર NOCના રિન્યૂઅલની પ્રક્રિયામાં ફાયર સેફ્ટી ઓફિસરની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. સંબંધિત એકમનું નિરીક્ષણ કરી સાધનોની વ્યવસ્થા યોગ્ય હોવાનું સુનિશ્ચિત કર્યા બાદ જ NOC રિન્યૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તેમ છતાં NOC રિન્યૂ ન હોય અથવા ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોય અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી સંસ્થાના સંચાલકો, બિલ્ડિંગ એસોસિએશનના જવાબદાર હોદ્દેદારો સહિતના સંબંધિત લોકોની રહેશે. આમ, વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે બાંધછોડ ન થાય તે માટે હવે માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે સ્થળ પર ચકાસણી અને જરૂર પડ્યે શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવાની તૈયારી ફાયર વિભાગે દર્શાવી છે.
399 શૈક્ષણિક સંકુલને નોટિસ, 312એ સુધારા કર્યા
* રાજકોટની 399 શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસીસને ફાયર સેફ્ટી અંગે નોટિસ.
* 312 શૈક્ષણિક એકમોએ જરૂરી સુધારાત્મક કામગીરી પૂર્ણ કરી.
* 87 એકમોમાં હજુ તપાસ અને ચકાસણીની કામગીરી બાકી.
* નોટિસની મુદત પૂર્ણ થતાં ફાયર વિભાગે ચેકિંગ તેજ કર્યું.
આઠ ફાયર સ્ટેશનની ટીમો મેદાનમાં
* શાળાઓ શરૂ થતાની સાથે જ ફાયર વિભાગે તપાસ શરૂ કરી.
* શહેરનાં આઠ ફાયર સ્ટેશનની ટીમો ચેકિંગમાં જોડાઈ.
* વોર્ડ નંબર 17ની શ્રી જ્ઞાનધારા વિદ્યામંદિરથી તપાસનો પ્રારંભ.
* અન્ય શાળા-કોલેજોમાં પણ તબક્કાવાર ચકાસણી કરાશે.
87 શૈક્ષણિક એકમો ફાયર વિભાગના હિટ લિસ્ટમાં
* ફાયર NOC રિન્યૂ ન કરાવનાર સંસ્થાઓ પર નજર.
* ક્ષતિગ્રસ્ત અને બંધ હાલતમાં રહેલાં ફાયર સાધનોની તપાસ.
* નોટિસની મુદત પૂર્ણ થયા બાદ પણ સુધારા નહીં કરનાર સામે કાર્યવાહી.
* નિયમોનું પાલન નહીં થાય તો શૈક્ષણિક કાર્ય બંધ કરાવવાની ચીમકી.
શહેરમાં સાત મહિનામાં 2300થી વધુ નોટિસ
* શાળા-કોલેજ ઉપરાંત કોમર્શિયલ અને રહેણાક ઇમારતોનો સમાવેશ.
* ફાયર સેફ્ટીનાં સાધનોની અછત હોય તેવી ઇમારતોને નોટિસ.
* સાધનોની યોગ્ય નિભાવણી નહીં થતી હોય તો પણ કાર્યવાહી.
* તમામ સાધનો કાર્યરત સ્થિતિમાં રાખવા ફાયર વિભાગની સૂચના.
દુર્ઘટના સર્જાય તો સંચાલકોની જવાબદારી
* ફાયર NOCનું સમયસર રિન્યૂઅલ કરાવવું ફરજિયાત.
* સાધનોની કાર્યક્ષમતા જાળવવાની જવાબદારી સંસ્થાઓની.
* NOC વગર કે નિયમોના ભંગ સાથે સંચાલન કરવું જોખમી.
* દુર્ઘટના સર્જાય તો શાળા સંચાલકો અને જવાબદાર હોદ્દેદારો સામે જવાબદારી નક્કી થઈ શકે.


