ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ‘ગાર્ડી નર્સિંગ ક્રિકેટ લીગ સિઝન-૩ ૨૦૨૬’ સંપન્ન : ‘RK MARUTI Rajkot’ ચેમ્પિયન
નર્સિંગ વિદ્યાર્થીઓ, ટ્યુટર્સ અને હોસ્પિટલ સ્ટાફની કુલ ૧૬ ટીમો વચ્ચે જામ્યો ક્રિકેટનો જંગ; ‘Zibon-XI’ રનર-અપ રહી
સમગ્ર ટુર્નામેન્ટનું ઓનલાઈન લાઇવ સ્કોરિંગ રહ્યું આકર્ષણનું કેન્દ્ર; મહાનુભાવોએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી એચ. વી. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસના ગ્રાઉન્ડ ખાતે તા. ૧૯ થી ૨૨ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન ‘ગાર્ડી નર્સિંગ ક્રિકેટ લીગ (GNCL) સિઝન-૩ ૨૦૨૬’ ની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાર દિવસીય ક્રિકેટ મહોત્સવમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, ટ્યુટર્સ તેમજ વિવિધ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સહિત કુલ ૧૬ ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ મેદાન ગજવ્યું હતું.
ક્રિકેટ પ્રેમીઓ અને દર્શકો દરેક બોલની પળેપળની અપડેટ મેળવી શકે તે માટે સમગ્ર ટુર્નામેન્ટનું ઓનલાઈન લાઇવ સ્કોરિંગ ઉપલબ્ધ રાખવામાં આવ્યું હતું. આ સ્પર્ધાને સફળ બનાવવામાં કો-સ્પોન્સર તરીકે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની નર્સિંગ પરીક્ષાઓની તૈયારી કરાવતી સંસ્થા ‘વી. એસ. નર્સીંગ એકેડમી, ગાંધીનગર’નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ પ્રસંગે ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેક્ટર જય મહેતા, એચ. વી. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ ડૉ. આશિષ ગૌતમ તેમજ VS Nursing Academy ના મેનેજિંગ ડિરેક્ટર ભૂપેન્દ્ર રાજપુરોહિત સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ટુર્નામેન્ટના પ્રારંભ પૂર્વે પ્રિન્સિપાલ ડૉ. આશિષ ગૌતમે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં ખેલદિલી (સ્પોર્ટ્સમેન સ્પિરિટ)નું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, “રમતમાં હાર-જીત કરતાં ખેલદિલીની ભાવના સૌથી વધુ મહત્ત્વની છે. આવી ટુર્નામેન્ટના માધ્યમથી નર્સિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પરસ્પર સહકાર, ટીમ વર્ક, નેતૃત્વ અને તણાવમુક્ત જીવનશૈલીનો વિકાસ થાય છે.”
વિવિધ રોમાંચક લીગ રાઉન્ડ્સ બાદ રમાયેલા અંતિમ અને નિર્ણાયક મુકાબલામાં ‘RK MARUTI Rajkot’ ટીમે શાનદાર અને શ્રેષ્ઠ દેખાવ કરીને ચેમ્પિયન (વિજેતા)નો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે ‘Zibon-XI’ ટીમે જોરદાર ટક્કર આપી રનર-અપ (ઉપવિજેતા) નું સ્થાન મેળવ્યું હતું.
ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમને આકર્ષક ટ્રોફી તેમજ અન્ય ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


