કમલમ ખાતે ‘સેવા દૂત અભિયાન’ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની કાર્યશાળા સંપન્ન
૧ થી ૨૫ ડિસેમ્બર સુધી ૨૫ દિવસનો આવાસીય પ્રવાસ : રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમરપાલ મૌર્યજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ; ક્લસ્ટર સહ-ઈન્ચાર્જની નિમણૂક
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કેન્દ્રીય ભાજપ દ્વારા આગામી ૧ ડિસેમ્બર થી ૨૫ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન સમગ્ર દેશમાં ‘સેવા દૂત અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અનુસાર રાજકોટ મહાનગર કમલમ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનના અલ્પકાલીન વિસ્તારક અને નિવાસી સમન્વયકોની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં દિલ્હીથી ખાસ ઉપસ્થિત રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમરપાલ મૌર્યજી, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સહસંગઠન મહામંત્રી અરૂણ બિન્નાડીજી તેમજ પ્રદેશ સેવા દૂત અભિયાનના સંયોજક જયસિંહ ચૌહાણ અને સહસંયોજક હરેન્દ્રસિંહ ગોહિલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં રાજકોટ શહેર અને અમરેલીમાં પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી ગૌતમગીરી ગોસ્વામી, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લો: યુવા મોરચાના પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશભાઈ શીંગાળા, જામનગર શહેર-જિલ્લો, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પૂર્વ યુવા મોરચા શહેર પ્રમુખ દિલીપસિંહ જાડેજા, ભાવનગર શહેર-જિલ્લો અને બોટાદમાં પૂર્વ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા મંત્રી અનિલભાઈ ગોહેલ, જૂનાગઢ શહેર-જિલ્લો અને ગીરસોમનાથમાં શહેર ઉપપ્રમુખ ઓમભાઈ રાવલની સૌરાષ્ટ્ર ઝોન ક્લસ્ટર સહ-ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સહસંગઠન મહામંત્રી અરૂણ બિન્નાડીજીએ સંયુક્ત વક્તવ્યમાં નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, સેવાદૂત (અલ્પકાલીન વિસ્તારક) પોતાના ગૃહ જિલ્લાની બહાર ફાળવાયેલા વિધાનસભા ક્ષેત્રોમાં ૨૫ દિવસનો આવાસીય પ્રવાસ કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવી, પાત્ર નાગરિકોની નોંધણી કરાવવી, લાભાર્થીઓના અનુભવોનું સંકલન કરવું, સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે સંગઠન સાથે સમન્વય કરવો અને સામાજિક-આર્થિક પરિસ્થિતિ તેમજ પડકારોનું મૂલ્યાંકન કરવું. નશામુક્તિ કેમ્પ, સામુદાયિક સંગઠનો સાથે સંવાદ, લાભાર્થી બેઠકો તેમજ વોર્ડ દીઠ ‘આપણો વિસ્તાર આપણું ગૌરવ’, ‘સેવા કેમ્પ’, ‘રમત સ્પર્ધા અને આત્મરક્ષા પ્રશિક્ષણ’, ‘વિકસિત ભારત યાત્રા’ અને ‘પ્રેસ વાર્તા’નું આયોજન કરાશે. હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકરોને સ્વચ્છતા અભિયાન-શ્રમદાન, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોની સેવા, હોસ્પિટલોમાં સેવા, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે સંવાદ, ભજન-સત્સંગ તથા સાંસ્કૃતિક-ઐતિહાસિક સ્થળોના ભ્રમણ જેવા કાર્યો સોંપાયા છે.
બેઠકનું સંપૂર્ણ સંચાલન સહસંયોજક હરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા અને આભારવિધિ રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે દ્વારા કરવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા શહેર મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા, સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે તથા કાર્યાલય સ્ટાફના ચેતન રાવલ, નલહરિ પંડિત, ભાવીન ધોળકીયા અને અજયે જહેમત ઉઠાવી હતી.


