રાજકોટ-અમદાવાદ હાઇવે પર બે ગમખ્વાર અકસ્માત: ચારનાં મોત
નવાગામ નજીક કારની ટક્કરે મોપેડસવાર બે યુવકોનાં કરુણ મોત; આપાગીગાના ઓટલા પાસે ઓડી કાર રસ્તો ઓળંગતી માતા-નાનીને કચડી ગઈ, પદવીદાન સમારોહમાં જતો પરિવાર મોતના માતમમાં ગરકાવ, એક યુવાન ઘાયલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ અને આસપાસના હાઇવે પર ગમખ્વાર અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં ચાર વ્યક્તિઓનાં કરુણ મોત નીપજતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. રાજકોટની ભાગોળે નવાગામ નજીક પૂરઝડપે આવેલી કારે મોપેડને અડફેટે લેતાં ભાવનગરના કરચલિયાપરા વિસ્તારના બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે વૈભવી ઓડી કારની ટક્કરે માતા-પુત્રીનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. એક તરફ પુત્રના પદવીદાન સમારોહમાં સહભાગી થવા રાજકોટ આવી રહેલા પરિવાર પર કાળ ત્રાટકતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર-રાજકોટ હાઇવે પર નવાગામ નજીક પૂરઝડપે આવી રહેલી કારે મોપેડ પર સવાર બે યુવકોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવકો ગંભીર રીતે ફંગોળાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનાં કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મૃતકો ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બીજી તરફ, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે સર્જાયેલા અકસ્માતે એક જ પરિવારની ખુશીઓ છીનવી લીધી હતી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચાંપલપુર ગામનાં વતની નયનાબેન દીક્ષિત (ઉં.વ. 70) અને તેમનાં પુત્રી અર્ચનાબેન જોશી (ઉં.વ. 46) પરિવાર સાથે રાજકોટ આવી રહ્યાં હતાં. અર્ચનાબેનના પુત્ર હર્ષિલનો કુવાડવા ખાતે આવેલી કોલેજમાં બી.એચ.એમ.એસ.ની પદવી મેળવવાનો સમારોહ હોવાથી પરિવારજનો ઉત્સાહભેર રાજકોટ તરફ આવી રહ્યા હતા.
દરમિયાન રસ્તામાં આપાગીગાના ઓટલા ખાતે પ્રસાદ લેવા માટે પરિવાર રોકાયો હતો. પ્રસાદ લીધા બાદ રસ્તો ઓળંગતી વખતે અમદાવાદ તરફથી પૂરઝડપે આવી રહેલી વૈભવી ઓડી કારે નયનાબેન અને અર્ચનાબેનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ટક્કરની ગંભીરતા એટલી હતી કે એક મહિલાનો પગ શરીરથી અલગ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં નયનાબેનના પુત્ર વસંતભાઈને પણ ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જીને ઓડી કારચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી હતી. પુત્રના પદવીદાન સમારોહમાં હાજરી આપવા નીકળેલા પરિવાર માટે આ પ્રવાસ જીવનભરનું દુઃખ બની ગયો હતો. એક જ દિવસમાં હાઇવે પર સર્જાયેલા આ બે અકસ્માતોએ માર્ગ સલામતી અને પૂરઝડપે વાહન ચલાવવાના જોખમ સામે ફરી સવાલો ઊભા કર્યા છે.


