કેશોદના કોયલાણા ગામે ખેડૂત પર દીપડાનો હુમલો; ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા
વાડીમાં કામ કરતા ગંભીરસિંહ રાયજાદા ઈજાગ્રસ્ત ; ૧૫-૨૦ દિવસથી દીપડાની હિલચાલથી ખેડૂતોમાં ભય, પાંજરે પૂરવા માંગ
અગ્ર ગુજરાત, કેશોદ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામમાં દીપડાના આતંકને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ખેતરમાં ખેતીકામ કરી રહેલા ખેડૂત ગંભીરસિંહ રાયજાદા પર દીપડાએ અચાનક હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ તેમને પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ ઈજાગ્રસ્ત ખેડૂત ગંભીરસિંહ રાયજાદા તેમની વાડીમાં ખેતીકામ કરતા હતા તે દરમિયાન રસ્તામાંથી બારોબાર આવીને દીપડો અચાનક ચોંટી ગયો હતો. તેમના જણાવ્યા અનુસાર, દીપડો મોટો છે અને હુમલો કર્યા બાદ ગેલાણા-રેવદ્રાણીના રસ્તા નજીક આવેલી નદી તરફ નાસી ગયો હતો. અગાઉ રાતના સમયે દીપડો આવતો હોવાની વાતો થતી હતી અને આ બનાવ લગભગ ૧૦ વાગ્યા બાદ બન્યો હોવાનું જણાવી તેમણે દીપડાને તાત્કાલિક પકડવા લાગણી વ્યક્ત કરી હતી.
ગ્રામજન ખુમાણસિંહ રાયજાદાએ જણાવ્યું હતું કે અગાઉ રાતના સમયે ખ્યાલ ન આવતો હોવાથી જાણ થઈ ન હતી, પરંતુ હવે સ્થિતિ ગંભીર બની છે. દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જઈ શકતા નથી અને પાક સુકાઈ જાય તેવી ભીતિ છે, તેથી ૧૫-૨૦ દિવસથી ચાલી રહેલી આ સમસ્યાનો અંત લાવવા ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક પાંજરું મૂકે તેવી માંગ કરી હતી.
કોયલાણા પંથકમાં વાડી વિસ્તાર નજીક રસ્તો અને નદી આવેલા હોવાથી જાનવરની અવરજવર વધી હોવાની ગ્રામજનોની ચિંતા છે. ખેડૂતોએ સુરક્ષિત રીતે ખેતીકામ કરી શકે અને પાક બચી શકે તે માટે વનવિભાગ દ્વારા વહેલી તકે પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી છે.


