પ્લોટ કે મિલકત ખરીદતા પહેલાં જ જાણી શકાશે TP સ્કીમ, ઝોન અને નવા રસ્તાની વિગત ખાસ વેબ જીઆઈએસ પોર્ટલ શરૂ થશે
રાજ્યના દરેક જિલ્લામાં લાગૂ થશે નવી વ્યવસ્થા; ત્રણ તબક્કામાં પોર્ટલ તૈયાર કરી કચેરીઓના ધક્કા ઘટાડવા સરકારની પહેલ
અગ્ર ગુજરાત, રાજકોટ
નાગરિકોને જમીન અને મિલકત સંબંધિત માહિતી ઘરેબેઠા સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વેબ જીઆઈએસ (Web GIS) પોર્ટલ શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ પોર્ટલ મારફતે ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમના નકશા, ઝોનની વિગતો અને આસપાસથી પસાર થતા રસ્તાઓની માહિતી એક ક્લિક પર જોઈ શકાશે. રાજ્યના દરેક જિલ્લામાં આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે અને તેના માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે.
આ જીઆઈએસ પોર્ટલ ત્રણ તબક્કામાં તૈયાર થશે. જેમાં પ્રથમ તબક્કામાં શરૂઆતના ૩ મહિનામાં પ્રાથમિક પોર્ટલ તૈયાર કરવામાં આવશે, જેમાં રાજ્યના તમામ સત્તામંડળની યાદી મૂકીને સંબંધિતોને ટ્રેનિંગ આપવામાં આવશે. બીજા તબક્કામાં આગામી ૬ મહિનામાં વેબ જીઆઈએસ પોર્ટલને પ્રાયોગિક ધોરણે શરૂ કરી દેવામાં આવશે, જેથી જરૂરી ફેરફાર કરવા હોય તો તે સરળતાથી થઈ શકે. ત્રીજા તબક્કોમાં ૩ મહિનામાં શક્ય હશે તો ટાઉન પ્લાનિંગ ડેટાનું પરીક્ષણ કરવામાં આવશે.
આ જીઆઇએસ પોર્ટલથી નકશા અને રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ થવાથી સરકારી કચેરીઓના ધક્કા ઘટશે. જમીન કે પ્લોટ કયા ઝોનમાં આવે છે તેની સચોટ માહિતી ઘરેબેઠા મળી શકશે. પ્લોટ પાસેથી કઈ ટીપી સ્કીમ અને કયો નવો રસ્તો પસાર થશે તે તરત જાણી શકાશે. મિલકત ખરીદતા પહેલાં જ અસલ સ્થિતિ અને ભવિષ્યના આયોજનની સ્પષ્ટતા થવાથી છેતરપિંડીની શક્યતા ઓછી થશે.


