- ઈઝરાયેલે હવાઈ હુમલા રોકવાનો કર્યો ઈન્કાર
- અમેરિકાએ હુમલા રોકવા કરી હતી અપીલ
- હમાસ નાગરિકોને બનાવી રહ્યું છે ઢાલ
ઈઝરાયેલે ગાઝામાં શરણાર્થી શિબિર પર બોમ્બ ફેંક્યા છે. હવાઈ હુમલામાં 33 લોકોના મોત થયા છે. અમેરિકાએ ઈઝરાયલને થોડા સમય માટે હુમલો રોકવાની અપીલ કરી હતી, પરંતુ તેણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. હવાઈ હુમલાના વિરોધમાં યુરોપના અનેક શહેરોમાં દેખાવો થયા હતા.
અમેરિકાની અપીલ ફગાવી
ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા અને એક ડઝન જેટલા લોકો ઘાયલ થયા હતાં. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી. અમેરિકાએ નાગરિકોને રાહત આપવા માટે ઈઝરાયેલને થોડા સમય માટે હુમલા બંધ કરવાની અપીલ કરી હતી પરંતુ ઈઝરાયેલનું કહેવું છે કે તે ગાઝામાં હમાસ શાસકોને કચડી નાખવા માટે તેના હુમલા ચાલુ રાખશે.
યુરોપીયન દેશોમાં ઈઝાયેલનાં હુમલાઓ સામે વિરોધ
ફ્રાન્સની રાજધાની પેરિસ, જર્મનીની રાજધાની બર્લિન અને અન્ય યુરોપીયન શહેરોમાં હજારો પ્રો-પેલેસ્ટિનિયન લોકોએ ગાઝામાં ઇઝરાયેલી બોમ્બ ધડાકાનો અંત લાવવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનો યુરોપમાં વધતા જતા અસંતોષને પ્રતિબિંબિત કરે છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં મોટા પ્રમાણમાં જાનહાનિ અને માનવીય સંકટને કારણે યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને તેમની તાજેતરની આ પ્રદેશની મુલાકાત દરમિયાન, માનવીય સહાય પૂરી પાડવા માટે હુમલાઓને થોડા સમય માટે રોકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ઇઝરાયેલ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.
રેફ્યુજી કેમ્પ પર હુમલો
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યાવ ગાલાન્ટે કહ્યું હતું કે ‘ગાઝા શહેરમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકી રહી છે.’ ગાઝામાં હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 9,448 થઈ ગઈ છે. ઈઝરાયેલમાં 1400 થી વધુ લોકોના મોત થયા છે. આમાંના મોટાભાગના લોકો 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક હુમલામાં મૃત્યુ પામ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ જણાવ્યું હતું કે ગાઝાના મગાઝી શરણાર્થી શિબિર પર રવિવારે મધ્ય સવારે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા હતા અને 42 ઘાયલ થયા હતા.
હમાસ લોકોને ઢાલ બનાવી રહ્યું છે
ઇઝરાયેલની સૈન્યએ ગાઝામાં પેલેસ્ટિનિયનોને આશ્રય મેળવવા વિનંતી કરી છે કારણ કે તે ઉત્તરીય વિસ્તારોમાં તેના લશ્કરી આક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અપીલ છતાં હમાસના લડવૈયાઓ અને તેમની સંપત્તિઓને નષ્ટ કરવાના ઉદ્દેશ્ય સાથે ઇઝરાયેલે સમગ્ર ગાઝા પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ઈઝરાયેલે હમાસ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આરબ નેતાઓએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હજારો પેલેસ્ટિનિયનોના મૃત્યુની નિંદા કરતા શનિવારે તાત્કાલિક યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું. જ્યારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને ચેતવણી આપી કે આ પ્રકારનું પગલું પ્રતિકૂળ હશે અને આતંકવાદી જૂથને વધુ હિંસા કરવા માટે પ્રોત્સાહન આપશે.


