ગેરકાયદે પાણી ખેંચવા અને વરસાદી પાણીનો સંગ્રહ ન કરનારને થશે જેલ
ભૂર્ગભ જળ હવે ખાનગી નહી પરંતુ જાહેર સંસાધન ગણાશે : ગ્રાઉન્ડવોટર બિલનો કાયદો લાવવા ગુજરાત સરકારની તૈયારીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સતત ઘટી રહેલા ભૂગર્ભ જળના સ્તરને બચાવવા રાજ્ય સરકાર નવો અને કડક કાયદો લાવવાની તૈયારીમાં છે. આગામી મહિને વિધાનસભામાં રજૂ થનારા પ્રસ્તાવિત ગુજરાત ગ્રાઉન્ડવોટર બિલ, 2026 હેઠળ ભૂગર્ભ જળને ખાનગી મિલકત નહીં પરંતુ જાહેર સંસાધન તરીકે ગણવામાં આવશે. ગેરકાયદે પાણી ખેંચવા, પ્રદૂષણ ફેલાવવા તેમજ વરસાદી પાણીનો સંગ્રહ ન કરનાર સામે જેલ અને લાખો રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવશે.
બિલ મુજબ પીવાનું પાણી, ખેતી અને લોકોના જીવનનિર્વાહ માટે ભૂગર્ભ જળના ઉપયોગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં ભૂગર્ભ જળના ઉપયોગ અને સંરક્ષણ પર નજર રાખવા માટે ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડવોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ઓથોરિટી ભૂગર્ભ જળના ટકાઉ ઉપયોગ માટેની નીતિઓનો અમલ કરાવશે.
સરકારને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોને ગ્રાઉન્ડવોટર પ્રોટેક્શન ઝોન જાહેર કરવાનો અધિકાર પણ મળશે. આવા વિસ્તારોમાં ભૂગર્ભ જળ ખેંચવા પર અને ઉપયોગ પર નિયંત્રણ મૂકવામાં આવશે, જેથી જળભંડારો ખાલી ન થઈ જાય.
બિલમાં નિયમોનો ભંગ કરનાર સામે કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે. ભૂગર્ભ જળને પ્રદૂષિત કરનારને રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે પ્રોટેક્શન ઝોનમાં ગેરકાયદે ભૂગર્ભ જળ ઉપાડનાર સામે રૂ. 10 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવા ગુનાઓમાં દંડ ઉપરાંત જેલની સજાની પણ જોગવાઈ રહેશે.
વરસાદી પાણીનો સંગ્રહ (રેઇનવોટર હાર્વેસ્ટિંગ) સિસ્ટમ ન લગાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને આવા નિયમભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.
ઉદ્યોગોને ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા પહેલાં સરકારની પરવાનગી લેવી ફરજિયાત બનશે. ઔદ્યોગિક એકમો અને મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરનાર પાસેથી પાણીના ચાર્જ વસૂલવામાં આવશે. જોકે ખેતી ક્ષેત્રને આ જોગવાઈમાંથી બહાર રાખવામાં આવ્યું છે. વસૂલાતમાંથી મળતી રકમ પાણીના સંરક્ષણના કામોમાં ખર્ચવામાં આવશે. પ્રસ્તાવિત કાયદામાં ગામથી લઈને રાજ્ય સ્તર સુધી વિવિધ સમિતિઓની રચના કરીને ભૂગર્ભ જળના સંચાલન અને દેખરેખની જવાબદારી સોંપવાની પણ જોગવાઇ છે.


